Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

અમદાવાદ શહેર વુહાન બનવા જઇ રહ્યું છે

કોંગી ધારાસભ્ય ખેડાવાલાના આક્ષેપથી ભાજપ બચાવમાં

અમદાવાદ તા. ર૭: કોરોના મહામારીની પરિસ્થિતિ અતિગંભીર બની રહી હોવાના અને અમદાવાદ વુહાન બનવા જઇ રહ્યું હોવાનાં કોંગી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનાં ટ્વિટથી શાસક ભાજપ અને મ્યુનિ. તંત્રમાં ભડકો થયો હતો અને ટ્વિટર પર સામસામા આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયાં હતાં.

શહેરના જમાલપુર-ખાડિયા વિધાનસભા મતવિસ્તારનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોર્પોરેશનનાં અધિકારીઓએ ધ્યાન રાખ્યું હોત અને પૂર્વ કમિશનર વિજય નેહરાની બદલી ન થઇ હોત તો અમદાવાદ શહેરની આજે વુહાન જેવી સ્થિતિ ન થતા. તેવો આક્ષેપ કરતાં જ ખળભળાટ મચી ગયો હતો.

ટ્વિટર ઉપર ઠાલવેલાં રોષ અંગે પૂછતાં કોંગી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા કેટલાય સમયથી કોરોના સંક્રમણ વધી ગયું છે અને નીતનવા વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યાં છે. તેમ છતાં સરકારની પ્રતિષ્ઠા બચાવવા અને પોતાની વાહવાહી કરાવવામાં રચ્યાપચ્યા રહેતું મ્યુનિ. તંત્ર કોરોના ટેસ્ટ, પોઝિટિવ કેસો અને મરણ સહિત અનેક વિગતો છૂપાવી રહ્યું છે.

કોરોના મહામારી અંકુશમાં આવી ગઇ હોવાનું દર્શાવવાનાં મ્યુનિ. તંત્રનાં પ્રયાસોનાં કારણે જ શહેરીજનો ફરીથી કોરોનાનાં સંક્રમણમાં સપડાઇ રહ્યાં છે તેવો આક્ષેપ કરતાં ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, જો બધું જ નોર્મલ થઇ ગયું હોય અને કોરોના મહામારી અંકુશમાં આવી જ ગઇ હોય તો મ્યુનિ. હોદેદારો કેમ હજુ મુખ્ય કચેરીમાં ફરકતા નથી અને ઉસ્માનપુરા ઓફિસમાં કોરેન્ટાઇન થઇ બેસી રહે છે? તેવી જ રીતે કમિશનર સહિતનાં અધિકારી પણ રિવરફ્રન્ટ હાઉસમાં બેસી રહીને સલામતી અનુભવી રહ્યાં છે તે બધાને ખબર પડે છે.

જોકે, ઇમરાન ખેડાવાલાનાં ટ્વિટ સામે ભાજપ તરફથી પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે વળતો જવાબ આપ્યો હતો કે, કોરોના મહામારીને અંકુશમાં લેવા માટે રાજય સરકાર અને અધિકારીઓ ચોકકસ કામ કરી જ રહ્યાં છે અને ભૂતકાળમાં તમારા જેવા કેટલાક વિદ્વાનોએ કોરોના ટેસ્ટ જ થાય નહીં તેવા પ્રયત્ન પણ કર્યા હતાં. જો યોગ્ય સમયે કોરોના ટેસ્ટ થયાં હોત તો આવા શબ્દોનો ઉપયોગ થયો હોત નહીં.

(2:49 pm IST)