Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

વડોદરાના કાચા કામના કેદીઓ પેરોલ પૂર્ણ થયા બાદ પરત ફરતા ટેસ્ટીંગ દરમિયાન પોઝિટિવ

શિક્ષણ જગતમાં મહાનુભાવો સહિત ૧૮ આરોપીઓ કોરોનાની ઝપટે : રાજ્યભરની જેલોમાં ચુસ્ત અમલવારી છતાં કોરોનાના પોઝિટિવ કેસો નિકળ્યાનું રહસ્ય ખોલતા રાજ્યના જેલવડા ડો. કે.એલ.એન.રાવ

રાજકોટ તા. ૨૭ : ગુજરાતની તમામ જેલોમાં કોરોનાની એન્ટ્રી ન થાય તે માટે શરૂઆતથી જ અસરકારક માસ્ટર પ્લાન તૈયાર કરી તેની ચુસ્તાથી અમલવારી કરાવવા છતાં વડોદરાની સેન્ટ્રલ જેલના ૧૩ કેદીઓ કોરોનાની ઝપટે ચઢી જતા આવું શા માટે બન્યું ? તેની વ્યાપક તપાસ શરૂ થઇ છે.

પ્રાથમિક તારણ મુજબ વડોદરા સેન્ટ્રલ જેલના જે ૧૮ કેદીઓ કોરોના મહામારીનો ભોગ બન્યા તે તમામ કાચા કામના કેદી હતા, તેઓને કોરોના મહામારી અંતર્ગત સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટની હાઇપાવર કમિટિ દ્વારા થયેલ નિર્ણય મુજબ ટેમ્પરરી મુકત કરવામાં આવ્યા હતા.

દરમિયાન તેઓને અલગ રાખી જેલની ગાઇડ લાઇન્સ મુજબ તેઓના કોરોના ટેસ્ટ કરાવતા તેઓ પોઝિટિવ હોવાનું જણાતા તાકીદે કાર્યવાહી કરવામાં આવી હતી તેમ રાજ્યના જેલ વડા ડો. કે.એલ.એન.રાવે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

રાજ્યની જેલોના વડા અને સિનિયર આઇપીએસ ડો. કે.એલ.એન.રાવે જણાવેલ કે, તકેદારીના પગલા તરીકે સમગ્ર જેલને ફરીથી સેનેટાઇઝ કરવામાં આવી છે.

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ વડોદરા જેલમાં જે કેદીઓ કે જેને કાચાકામના આરોપી છે અને કોરોનાની અસર થઇ છે તેમાં શાસનાધિકારી કક્ષા તથા શિક્ષણ જગત સાથે સંકળાયેલા અન્ય મહાનુભાવો - પદાધિકારીઓનો પણ સમાવેશ છે.

(1:03 pm IST)