Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કોરોના યોદ્ધાને ભાવભીની શ્રધ્ધાંજલિ આપતા તબીબો

સિવિલ દ્વારા શૂરવીરોના બલિદાનને શ્રધ્ધાસુમન : ૨૬ જુલાઈ ૨૦૦૮ના દિવસે શહેરમાં વિવિધ સ્થળોએ થયેલ બોમ્બ બ્લાસ્ટને કોઈ ભૂલાવી શકે તેમ નથી

અમદાવાદ,તા.૨૬ : ૨૬ જુલાઈ ૨૦૦૮ આ દિવસે અમદાવાદમાં વિવિધ સ્થળોએ થયેલ બોમ્બ બ્લાસ્ટને કોઈ ભૂલાવી શકે તેમ નથી. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલના હદય સમા ટ્રોમા સેન્ટરમાં પણ બ્લાસ્ટ થયા હતા.હોસ્પિટલમાં બ્લાસ્ટ થયાનો ઈતિહાસમાં લગભગ પ્રથમ કિસ્સો હતો. લોકો હચમચી ગયા હતા.. પરંતુ બ્લાસ્ટની બીજી જ ક્ષણે તબીબો, સ્ટાફ મિત્રો સેવા-સુશ્રાષામાં લાગી ગયા હતા. આજે આ બોમ્બ બ્લાસ્ટની ૧૨મી વરસી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.જે.પી.મોદી, ખાસ ફરજ પરના અધિકારી ડૉ. એમ. એમ. પ્રભાકર,  સિવિલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફમિત્રો દ્વારા શહીદી વહોરેલા તમામ નરબંકાઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

          આ ગોઝારા દિવસને યાદ કરતા ઘણા તબીબોની આંખો અશ્રુ ભરેલી જોવા મળી હતી. ટ્રોમા સેન્ટર બોમ્બ બ્લાસ્ટમાં સિવિલ હોસ્પિટલના રેસીડન્ટ ડૉ. પ્રેરક અને તેમના ગર્ભવતી પત્ની, અન્ય શહીદ થયેલા તબીબો, મેડિકલ તેમજ પેરામેડિકલ મળીને સિવિલ હોસ્પિટલના ૩૯ શહીદી વહોરેલા શૂરવીરોને આ પ્રસંગે યાદ કરવામાં આવ્યા હતા. આજના દિવસે લગભગ ૬૦ દિવસે ચાલેલા કારગિલ યુદ્ધમાં જંગના મેદાને ચઢેલા વીરોના બલિદાનથી વિજય હાંસલ થયો હતો. જેની આજે ૨૧મી વર્ષગાંઠ છે. સિવિલ તંત્ર દ્વારા માતૃભૂમિની રક્ષામાં સર્વસ્વ ન્યોછાવર કરનારા વીર જવાનોના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા. બધા તબીબો દ્વારા કારગિલ યોદ્ધાઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

કોરોનાની વ્યાપેલી મહામારીમાં સમગ્ર દેશના તબીબો, મેડીકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ , કોરોના વોરીયર્સ કે જેઓ દેશ પર આવી પડેલી આપદામાં દિવસ રાત જંગ લડી રહ્યા છે, સેવા-સુશ્રુષા કરી રહ્યા છે તેમના જુસ્સાને પણ બિરદાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં કોરોના ડ્યુટી દરમિયાન શહીદ થયેલ સ્ટાફમિત્રની કર્તવ્યનિષ્ઠાને, બલિદાનને બિરદાવીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.

(9:50 pm IST)