Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

વડોદરાની ફોનિક્સ સ્કૂલમાં આગની ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને શોકોઝ નોટીસ ફટકારી

ફાયર બ્રિગેડ દ્વારા ક્લાસમાં ફસાયેલા 450 ઉપરાંત વિદ્યાર્થીઓનું રેસ્કયુ કરી સહી સલામત બહાર કાઢ્યા હતા

વડોદરા શહેરમાં ફોનિક્સ સ્કૂલમાં આગની ઘટના બનતા નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા ક્લાસમાં ફસાયેલા 450 ઉપરાંત વિદ્યાર્થીઓનું રેસ્કયુ કરી સહી સલામત બહાર કાઢ્યા હતા. તે સાથે ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઇ જાનહાની કે ઇજા પહોંચી નથી.આગની ઘટનાને પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ ફોનિક્સ સ્કૂલને શોકોઝ નોટીસ આપી છે.

મળતી માહિતી મુજબ શહેરના મકરપુરા વિસ્તારમાં સુશેન સર્કલ પાસે આવેલી ફોનિક્સ સ્કૂલના ત્રીજા ફ્લોર ઉપર એમ.સી.બી.માં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. બાળકો શાળામાં હાજર હતા અને આગ લાગતા જ નાસભાગ મચી હતી. પોતાની સ્કૂલ બેગ મૂકીને બાળકો શાળાની બહાર ભાગ્યા હતા. તે સાથે શિક્ષકો સહિતનો સ્ટાફ પણ સ્કુલ બહાર દોડી આવ્યો હતો. દરમિયાન આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરતા ફાયરબ્રિગેડના લાશકરો સ્થળ પર દોડી આવ્યા હતા અને શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.આગની ઘટનાને પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ ફોનિક્સ સ્કૂલને શોકોઝ નોટીસ આપી છે. 2017થી ધોરણ 9થી 12ની શાળા ચાલી રહી છે.જરૂર પડશે તો શાળાની માન્યતા પણ રદ્દ કરવા જણાવ્યુ હતુ. જો કે નોટિસનો જવાબ આપવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

ફોનિક્સ સ્કૂલમાં ત્રીજા માળે એમ.સી.બી.માં શોર્ટ સરકીટથી આગ લાગતા ત્રીજા માળે ધુમાડો થઇ ગયો હતો. ફાયરના લાશ્કરો બ્રિથીગ એપ્રેટર પહેરીને ત્રીજા માળે પહોંચ્યા હતા. અને ત્રીજા, ચોથા અને પાંચમા માળે ફસાયેલા 450 ઉપરાંત વિદ્યાર્થીઓને સ્કૂલની ઇમરજન્સી બારી તેમજ મુખ્ય દરવાજાથી સિડીનો ઉપયોગ કરી સહીસલામત બહાર કાઢ્યા હતા. આ બનાવમાં કોઇ જાનહાની કે ઇજા થઇ નથી. જોકે, જરૂર પડે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી. પરંતુ, તેની જરૂર પડી ન હતી. વિદ્યાર્થીઓના રેસ્કયુ સાથે ગણતરીની મિનીટોમા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સ્કૂલમાં ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.આજે સવારે સ્કૂલમાં આગની ઘટનાની જાણ થતાં જ વાલીઓ હાફડાફાફડા સ્કૂલ ઉપર દોડી આવ્યા હતા. અને પોતાના બાળકોને સહીસલામત જોતાં હાશકારો અનુભવ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં આવેલી લગભગ 350થી વધુ શાળાએ ફાયર NOC મેળવી લીધા છે. માત્ર 5 જેટલી જ શાળાઓએ ફાયર NOC મેળવ્યા નથી તેવી શાળાઓને પણ ફાયર NOC માટે નોટિસ આપવામાં આવી છે. આ શાળાઓએ 30 જૂન સુધીમાં ફાયર NOC મેળવી લેવી પડશે.

(8:58 pm IST)