Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

સંતરામપુરમાં વરસતા વરસાદે બાળકી વીજળીના થાંભલાને ચોંટી ગઇ :સ્થાનિકોએ જીવ બચાવ્યો

બાળકીને લાકડી વળે વીજ પોલથી અલગ કરી તાત્કાલિક સંતરામપુરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી

મહીસાગર જિલ્લાના સંતરામપુરના રાણાવાસ વિસ્તારમાં 5 વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે બાળકી વીજ પોલ સાથે ચોંટી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં દેખાય છે કે, પરિવારના લોકો અને સ્થાનિકોએ બાળકીને લાકડી વળે વીજ પોલથી અલગ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ સંતરામપુર નગરના રાણાવાવ વિસ્તારની અંદર રહીશોના ઘર આંગણે વીજ પોલના ખુલ્લા વીજ વાયરોના કારણે 5 વર્ષની બાળકી ધ્રિતી સંજયકુમાર રાણાને કરંટ લાગ્યો હતો. જેથી બાળકીને બુમાબુમ કરતા આજુબાજુના રહીશોએ લાકડાના ડંડા વડે વીજ થાંભલાથી દૂર કરવામાં આવી હતી અને બાળકીને તાત્કાલિક સંતરામપુરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં તબિયત સારી છે, પરંતુ, વરસાદ ચાલુ થતાં જ આવા થાંભલા ઉપરથી કરંટ ઉતરતાં જ ઘટના બની હતી.

બાળકી ઘરનાં આંગણે રમી રહી હતી. આ સમયે કરંટ આવતા જ થાંભલા સાથે ખેંચાઈ ગઈ હતી. આખા રાણાવાસ વિસ્તારમાં થાંભલાની કંઇક આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આવી રીતે ખુલ્લા વાયરોના કારણે શોર્ટ સર્કિટનું જોખમ વધ્યું છે. પરિવારે એમજીવીસીએલમાં ફોન કરીને જાણ કરી હતી. પરંતુ, હજુ સુધી કોઈ કર્મચારીએ આવીને કામગીરી કરી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે વીજ પોલમાં કરંટ ઉતરતા સ્થાનિક લોકોમાં MGVC સામે રોષ જોવા મળી રહ્યો છે અને બાળકીને કઈ થઈ ગયું હોત તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. ત્યારે વાલીઓએ પણ વરસાદમાં બાળકોની ખૂબ જ તકેદારી રાખવી જરૂરી બને છે. વરસાદની સીઝન દરમ્યાન નાના તેમજ મોટા લોકોએ વીજ થાંભલાથી દૂર રહેવુ જોઇએ

(8:56 pm IST)