Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

આગામી વિધાનસભા ચૂંટણીઓને અનુલક્ષીને ચૂંટણી તંત્રની તૈયારીઓની સમીક્ષા

મુખ્ય નિર્વાચન અધિકારીના અધ્યક્ષસ્થાને રાજ્યના જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે યોજાઇ વિડીયો કોન્ફરન્સ

ગાંધીનગર :રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને રાજ્યનું ચૂંટણી તંત્ર સાબદું થયું છે.ચૂંટણી પૂર્વેની વહીવટીતંત્રની તૈયારીઓની  સમીક્ષા કરવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની ઉપસ્થિતિમાં રાજ્યના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી.

   મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતિ પી.ભારતીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કોન્ફરન્સમાં મતદાન મથકોની ભૌતિક ચકાસણી, પૂરક મથદાન મથકોની જરૂરિયાત, મતદાન મથકોએ મતદારો માટે AMF (એસ્યોર્ડ મીનીમમ ફેસીલીટી) ની ચકાસણી, મતદાર યાદીની સતત સુધારણા, યુવા મતદારોનું ૧૦૦ ટકા નામાંકન અંગે નક્કર પ્લાન, EPIC ( Electrol Photo Identity Card) નું વિતરણ, EVM ની ફાળવણી અને FLC (First Level Checking) ની તૈયારી, ચૂંટણી પ્રક્રિયા સબંધી ટેન્ડરની સમીક્ષા જેવા મુદ્દે દરેક મતદાર વિભાગની વિસ્તૃત સમીક્ષા  કરવામાં આવી હતી.
  અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર.કે.પટેલ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે, મતદાન મથકોની સ્થળ ચકાસણીમાં રેમ્પની સાઇઝ, પીવાનું પાણી, પાકી છત હોય તે ખાસ ચકાસવાનું રહે છે. મતદાન મથક પાકા આવાસમાં હોય તે ખાસ સુનિશ્ચિત કરવું આવશ્યક છે. જે મતદાન મથકોની મરામત કરવાની જરૂર હોય તે કામગીરી વહેલી તકે હાથ ધરવા તથા અંતરિયાળ વિસ્તારમાં આવેલા સ્થળોએ પણ પાકા આવાસમાં મતદાન મથક ઉભું કરવાામાં  આવે તે માટે ખાસ પ્રયાસ હાથ ધરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. નવા મતદારોનું નામાંકન ૧૦૦ ટકા થાય તે માટે તથા ૧૮ થી ૧૯ વર્ષ વચ્ચેના યુવા મતદારોની નોંધણી ખાસ થાય અને તે દ્વારા આ જુથમાં મતદારોનો ગેપ વહેલીતકે ઓછો થાય તે ખાસ જોવા જણાવવામાં આવ્યું હતું. ટુંકમાં વિવિધ શહેરોમાં ઉજવણીના પ્રસંગોમાં જ્યાં વધુ લોકો ભેગા થવાના હોય તેવી જગ્યાએ મતદાર જાગૃતિને લગતી Sveep  કાર્યવાહી વધુ હાથ ધરવામાં આવે તે માટે જણાવવામાં આવ્યું હતું.  
  આ વીડિયો કોન્ફરન્સમાં સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અજય ભટ્ટ, અધિક કલેકટર સુશ્રી દર્શના રાંક સહિત ચૂંટણી પ્રભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

(8:38 pm IST)