Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

અત્યાધુનિક સર્વેલન્સ પદ્ધતિ અને ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગનો દાખલો બનશે 145મી રથયાત્રા

હેલિકોપ્ટર તેમજ ડ્રોનથી આકાશી અને હાઈરિઝોલ્યુશન સીસીટીવી, 2500 બોડીવોર્ન કેમેરાથી જમીની સુરક્ષાને કરાશે સુનિશ્ચિત :રથયાત્રાના વાહનોને GPS સાથે જોડીને કરાશે લોકેશન મોનિટરિંગ, 101 ટ્રકોમાં થશે ‘એન્ટિ સેબોટેજ ચેક’: સોશિયલ મીડિયા મોનિટરિંગ અને સુરક્ષાલક્ષી ઈનપુટ માટે હ્યુમન ઈન્ટેલિજન્સનો થશે વ્યાપક ઉપયોગ

  અમદાવાદ :1લી જુલાઈના રોજ અમદાવાદના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરનારી 145મી રથયાત્રા આ વર્ષે ખુદમાં જ ખાસ હશે.  કારણ કે, આ વર્ષે સુરક્ષાના વિવિધ પાસાઓ પર માઈક્રોપ્લાનિંગ સાથે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવનાર છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની નેમ પ્રમાણે આ વર્ષે રથયાત્રામાં સુરક્ષાનું એવું અભેદ્ય આયોજન કરવામાં આવશે કે જે દેશના તમામ ધાર્મિક સ્થળો પર યોજાતી યાત્રાઓ માટે દાખલો બની રહે.
જગતના નાથની નગરચર્યાના બંદોબસ્તમાં આ વર્ષે 25,000 જેટલા વિવિધ રેન્કના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહેશે. ઉપરાંત દરવર્ષથી વિશેષ આકાશી અને જમીની એમ બંને સ્તરે ટેક્નોલોજીના માધ્યમથી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવનાર છે. જેમાં હેલિકોપ્ટર તેમજ ડ્રોનથી આકાશમાં અભેદ્ય સુરક્ષા ગોઠવવામાં આવશે. બીજી તરફ જમીની સ્તર પર હાઈરિઝોલ્યુશન સીસીટીવીથી વોચ રાખવામાં આવશે જેમાં 46 ફિક્સ્ડ લોકેશન અને અન્ય મુવિંગ બંદોબસ્ત તથા વ્હીકલ માઉન્ટેડ હશે. રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત જવાનો પૈકી 2500ને બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવનાર છે. આ પોલીસ જવાનો સંવેદનશીલ વિસ્તારમાં દરેક વ્યક્તિની હરકત પર બાજનજર રાખશે.
અગાઉથી નક્કી રૂટને આધારે રથયાત્રા કુલ 7 પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી પસાર થતી હોય છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રાજીના રથ સિવાય 101 સુશોભિત ટ્રક જોડાશે. આ ટ્રકનું ‘એન્ટિ સેબોટેજ ચેક’ ફરજિયાત હોય છે. આ તપાસમાં ટ્રકમાં કોઈ જીવલેણ હથિયાર કે અન્ય નુકસાનકારક સામગ્રી ન હોવાની ખરાઈ કરવામાં આવે છે. દર 10 ટ્રક પછી એક પોલીસવાન ગોઠવવામાં આવશે તેમજ GPSની મદદથી વાહનોનું લાઈવ ટ્રેકિંગ કરવામાં આવશે.
રથયાત્રા દરમિયાન સંદેશા વ્યવહાર સતત ચાલુ રહે તે માટે પણ પુરતું આયોજન કરવામાં આવ્યુ છે. VHF વાયરલેસ વોકીટોકીના કુલ 16 ચેનલ પર સતત સંદેશાવ્યવહાર કરવામાં ચાલુ રહેશે. કારંજ, માધવપુરા, શહેરકોટડા, ખાડિયા, શાહપુર, ગાયકવાડ હવેલી, કાલુપુર, દરિયાપુર એમ કુલ 8 પોલીસમથકોમાં મીની કંટ્રોલરૂમ રાખવામાં આવશે.
આજના સમયમાં સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે કોઈ ઉપદ્રવી તત્વ સોશિયલ મીડિયા થકી સૌહાર્દનો માહોલ બગાડવાનો પ્રયાસ ન કરે તે માટે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને વ્હોટ્સએપ સહિતના માધ્યમો પર ચાંપતી નજર રાખવા માટે શહેર પોલીસ સ્થાનિકોની પણ મદદ લેશે. જો સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધી જણાઈ આવે તો તાત્કાલિક તેનું IP એડ્રેસ મેળવીને તેની ઉલટતપાસ કરવામાં આવશે. સાયબર ક્રાઈમની વિવિધ ટીમો ખાસ સોફ્ટવેરની મદદથી સોશિયલ મીડિયા સર્વેલન્સ રાખશે. સુરક્ષા માટે હ્યુમન ઈન્ટેલિજન્સનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાનું પણ પોલીસ વિભાગનું આયોજન છે.
આમ, છેલ્લા બે વર્ષથી કોરોનાકાળને લીધે ભક્તો અને ભગવાન વચ્ચે વધેલા અંતરને મિટાવવા માટે અને લાખો ભાવિકોને સંતોષકારક દર્શન થાય તે માટે શહેર પોલીસે સુરક્ષા અને સલામતી માટે કમર કસી છે.
શું ખાસિયત? (બુલેટ પોઈન્ટ)
25000 વિવિધ રેન્કના પોલીસકર્મીઓ
હેલિકોપ્ટર, ડ્રોનથી આકાશમાં અભેદ્ય સુરક્ષા
હાઈરિઝોલ્યુશન સીસીટીવી કેમેરા
46 ફિક્સ્ટ લોકેશન સહિત અન્ય મુવિંગ, વ્હિકલ માઉન્ટેડ કેમેરા
2500 બોડીવોર્ન કેમેરા
101 ટ્રકનું ‘એન્ટિ સેબોટેજ ચેક’
VHF વોકીટોકીથી 16 ચેનલ પર સંદેશા વ્યવહાર
8 પોલીસ સ્ટેશનમાં મીનિ કંટ્રોલ રૂમ
જનભાગીદારીથી સોશિયલ મીડિયા મોનિટરિંગ
હ્યુમન ઈન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ
(વિવેક/ શ્રદ્ધા - પ્રદેશ માહિતી કચેરી, અમદાવાદ)

(8:27 pm IST)