Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

વડોદરાના જુદા-જુદા ત્રણ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 20 શકુનિઓને જેલ હવાલે કર્યા હોવાની માહિતી

વડોદરા શહેર-જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવામાં સદંતર સફળતા સાંપડી નથી. દિનપ્રતિદિન પોલીસ ચોપડે નોંધાતા દારૂ અને જુગારના ગુના તેના પુરાવા છે. દરમિયાન પોલીસે વધુ ત્રણ સ્થળોએ દરોડા પાડી 20 જુગારીઓને ઝડપી પાડી 85 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે એક જુગારીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતીનુસાર ,મકરપુરા પોલીસે તરસાલી બાયપાસ પાસે આવેલ ખુલ્લા મેદાનમાં થી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડી 13,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં ભરતસિંહ ડાભી , અશોકભાઈ વાદી, રૂપસિંગ મહેરા ,કાલિદાસ વાઘરી અને ગોવિંદ ભરવાડનો સમાવેશ થાય છે. તેવી જ રીતે પાણીગેટ પોલીસે અજબડી મીલ પાસેના ખુલ્લા કમ્પાઉન્ડમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડી એક શખ્સને વોન્ટેડ જાહેર કરી 10,800ની મતા કબજે કરી હતી. જેમાં સઈદુલ શેખ, અયાઝુદ્દીન સૈયદ, મહંમદ સાજીદ અરબ અને ફૈઝલ અરબનો સમાવેશ થાય છે જ્યારે હુસેનખાન પઠાણ વોન્ટેડ છે. જ્યારે સયાજીગંજ પોલીસે દર્શન સેન્ટ્રલ પાર્કની પાછળ વિશ્વામિત્રી નદીના કિનારે જુગાર રમતા 11 શખ્સોને ઝડપી પાડી 61,720નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગારીઓમાં દિલીપસિંહ રાઠોડ, ઝહીર રાણા, શૈલેષ રાજપુત, સુનિલ સોલંકી, વિમલેશ કાળે, નિલેશ સેડગે, કલ્પેશ માળી ,ચિરાગ માળી ,જયદીપસિંહ મહિડા ,વિઠ્ઠલ ઉત્તેકર અને વિશાલ જોગીનો સમાવેશ થાય છે.

(6:22 pm IST)