Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

પંચાયતના આરોગ્‍ય કાર્યકર બનવા પ૮પ૩૭ઉમેદવારોએ પરીક્ષા આપીઃ શાંતિપૂર્ણ માહોલ

સંપૂર્ણ પારદર્શક પધ્‍ધતિઃ સંતોષ વ્‍યકત કરતા મંત્રી બ્રિજેશ મેરજા

ગાંધીનગર તા. ર૭: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને શ્રમ અને રોજગાર રાજયમંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્‍યું છે કે રાજયના યુવાનોને સરકારી સેવામાં જોડવા માટે રાજય સરકાર સતત પ્રયત્‍નશીલ છે. મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયમાં સરકારી સેવા માટેની પરીક્ષાઓ સંપુર્ણ પારદર્શી રીતે યોજાય એ માટે સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે આજે રાજયમાં ફિમેલ હેલ્‍થ વર્કરની અને મલ્‍ટી પર્પઝ હેલ્‍થ વર્કર (પુરુષ) સંવર્ગની પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજાઇ હતી. બન્‍ને કેડરના મળી પ૮પ૩૭ ઉમેદવારોએ પરીક્ષા આપી છે.

પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ ઉમેર્યું કે, ગઇકાલે યોજાયેલી ફ્રીમેલ હેલ્‍થ વર્કરની કુલ ૩૧૩૭ જગ્‍યાઓ માટે કુલ ર૦૯૪૧ ઉમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી ૧૭પ૭૭ (૮૪%) ઉમેદવારોએ આજે લેખિત સ્‍પર્ધાત્‍મક પરીક્ષા આપી હતી. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પારદર્શક વાતાવરણમાં સંપન્‍ન કરવામાં આવેલ છે. આ ઉમેદવારોની જવાબદારી (ઓ.એમ.આર.) શીટ નું સ્‍કેનિંગ પૂર્ણ કરી દેવામાં આવેલ છે અને ઓ.એમ.આર.શીટ સંબંધિત ઉમેદવારો જોઇ શકે અને પ્રિન્‍ટ લઇ શકે તે રીતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે.મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ જણાવેલ કે, મલ્‍ટી પર્પઝ હેલ્‍થ વર્કર (પુરૂષ) ની ૧૮૬૬ જગ્‍યાઓ માટે કુલ ૪૬૧૮૦ ઉમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી પરીક્ષામાં ૪૦૯૬૦ (૮૯%) ઉમેદવારોએ આજે લેખિત સ્‍પર્ધાત્‍મક પરીક્ષા આપી હતી. રાજકોટ કેન્‍દ્ર ખાતે એક ઉમેદવાર મોબાઇલ સાથે પકડાયેલ છે, જેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પારદર્શક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્‍ન કરવામાં આવેલ છે. ઉમેદવારોની જવાબદારી (ઓ.એમ.આર.) શીટનું સ્‍કેનિંગ ચાલી રહેલ છે, જે પૂર્ણ થયા બાદ તરત જ આ ઓ.એમ.આર.શીટ સંબંધિત ઉમેદવારો જોઇ શકે તે માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે.

(11:45 am IST)