Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન દ્વારા પાટીદાર મેટ્રીમોનિયલ સર્વિસ સેન્‍ટર શરૂ કરાયું

રાજ્‍યમાં પાટીદારોમાં યુવકોની સરખામણીએ યુવતીઓની ઓછી સંખ્‍યાને કારણે યુવકોના લગ્નોમાં પડી રહેલી સમસ્‍યાના નિવારણ માટે : અન્‍ય રાજ્‍યોની પાટીદાર દીકરીઓને વિશ્વ ઉમિયાધામના વિવિધ ટ્રસ્‍ટીઓ દત્તક લેશે : તેમના લગ્ન વિશ્વ ઉમિયા ધામ મંદિરમાં નિઃશુલ્‍ક કરાવવામાં આવશે : અમદાવાદના સાયન્‍સ સિટી વિસ્‍તારમાં આ સેન્‍ટર શરૂ કરાયું છે

અમદાવાદ,તા. ૨૭: વિશ્વ ઉમિયા ધામ દ્વારા અમદાવાદમાં મેટ્રીમોનિયલ સર્વિસ સેન્‍ટરનું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું છે. આ સર્વિસ સેન્‍ટરનો હેતુ પાટીદારોના દીકરા-દીકરીઓને યોગ્‍ય જીવનસાથીની પસંદગી કરવામાં મદદ કરવાનો છે. આ સર્વિસ સેન્‍ટર પાટીદાર સમાજમાં લગ્નેત્તર સંબંધોમાં પ્રવર્તી રહેલી દીકરીઓના ઘટ દૂર કરવા નવતર પ્રયોગ કરશે તેમ સંસ્‍થાના પ્રણેતા અને પ્રમુખ આર પી પટેલે જણાવ્‍યું હતું.

આ સર્વિસ સેન્‍ટર અમદાવાદના સાયન્‍સ સિટી નજીક આવેલા ફોર્ચ્‍યુન બિઝનેસ હબમાં શરૂ કરાયું છે. સેન્‍ટરનું ઉદ્‌ઘાટન કથાકાર રાજેન્‍દ્રપ્રસાદ શાષાી, જોષીપુરાવાળાના હસ્‍તા કરાયું હતું. આ પ્રસંગે સાણંદના ડેપ્‍યુટી કલેક્‍ટર તમન્ના ઝાલોડિયા સહિત સંસ્‍થાના વરિષ્ઠ ટ્રસ્‍ટીઓ અને દાતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઓફિસ વિશ્વ ઉમિયાધામના સિલ્‍વર દાતા ટ્રસ્‍ટી જગદીશભાઈ દેસાઈ (પટેલ)એ નિઃશુલ્‍ક આપી છે.

સંસ્‍થાના પ્રમુખ આર પી પટેલે જણાવ્‍યું હતું કે, આ મેટ્રીમોનિયલ સેન્‍ટર દ્વારા અન્‍ય રાજયોમાં રહેતા કુર્મી પાટીદારોની દીકરીઓને ગુજરાત લવાશે. આ અન્‍ય રાજયોમાંથી આવતી દીકરીઓને ગુજરાતમાં વસતા પાટીદાર યુવકો સાથે લગ્ન કરાવાશે. વિશ્વ ઉમિયા ધામ મંદિર ખાતે આ લગ્ન નિઃશુલ્‍ક કરાવાશે. અન્‍ય રાજયોમાંથી આવતી દીકરીઓને વિશ્વ ઉમિયા ધામના વિવિધ ટ્રસ્‍ટીઓ દત્તક લઈ તેમના પાલક માતા-પિતા બનશે, જેથી તેઓને પિયરની ખોટ પૂરી થશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના જાસપુર ખાતે લગભગ ૧ હજાર કરોડના ખર્ચે મા ઉમિયાનું ૪૩૧ ફૂટ ઊંચું મંદિર બની રહ્યું છે. આ મંદિર વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે. ગત ૨૦ જૂને જ યોગગુરુ બાબા રામદેવેએ ઉમિયા માતાજીના નવનિર્મિત મંદિરની શિલાનું પૂજન કર્યું હતું.

(10:29 am IST)