Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ફતેપુરા : પરીણિત પ્રેમિકા અને અપરિણિત પ્રેમીને માર મરાયો

દાહોદના ફતેપુરા તાલુકામાં વીડિયોથી ખળભળાટ : સમાજના રોષે ભરાયેલા લોકોએ યુવકને દોરડાથી બાંધી નગ્ન કરીને માર્યો : સમગ્ર મામલામાં પોલીસ દ્વારા તપાસ

અમદાવાદ, તા.૨૭ : દાહોદ જિલ્લાના ફતેપુરામાં ઘરેથી ભાગી ગયેલા પરીણિત પ્રેમિકા અને અપરિણિત પ્રેમીને તાલિબાની સજા ફટકારતો વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથક સહિત રાજયભરમાં ખળભળાટ મચી ગઇ છે. પ્રેમ પ્રકરણમાં આદિવાસી સમાજ દ્વારા તાલિબાની સજા ફરમાવતાં આ વાયરલ વીડિયોમાં પરિણીત યુવતીના સાસરિયાઓએ યુવકને દોરડાથી બાંધી નગ્ન કરીને માર માર્યો હતો. જ્યારે પરિણિત યુવતીને પણ ઢોર માર માર્યો હતો. સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જતાં આખરે સ્થાનિક પોલીસે હરકતમાં આવીને આ પ્રકરણમાં સાત લોકો સામે ગુનો નોંધીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની પરીણિત યુવતી અને ઝાલોદ તાલુકાનો અપરિણિત યુવક લગ્ન કરવા માટે ઘરેથી ભાગી છૂટ્યા હતાં. ઇડરના મેસણ ગામે મજુરી કામ કરતાં હોવાની જાણ થતાં યુવતીના સાસરિયા ત્યાં પહોંચી ગયા હતા અને બંનેને ફતેપુરા તાલુકાના યુવતીની સાસરી લઇ ગયા હતા. તા.૨૬ જૂને સવારે રઘુ ધુળા મછાર, રાજુ તેરસિંગ મછાર અને જેન્તી લવજી મછાર, પ્રકાશ ભરત ચારેલ, ભરત પુના ચારેલ સહિતના ગામના લોકોની હાજરીમાં પ્રેમી યુવકને દોરડા વડે બાંધ્યો હતો અને યુવકને સંપૂર્ણ નગ્ન કરીને લાકડીથી માર માર્યો હતો. તો, યુવતીને લાકડીથી માર માર્યો હતો. એટલી હદે યુવક-યુવતીને માર મરાયો હતો કે, માર મારતા મારતા લાકડી પણ તૂટી ગઇ હતી. જેથી બીજી લાકડીથી માર મારવાનું શરૂ કર્યું હતું. માર સહન નહી થતાં એક તબક્કે યુવતીએ લઘુશંકા કરી દીધી હતી. આ ઉપરાંત યુવકને યુવતીના ખભે બેસાડીને એક કિ.મી. દૂર આવેલા મીનેષ પારસિંગ તાવિયાડના ઘરે લઇ ગયા હતા. જ્યાં બંનેને ગોંધી રખાયા હતા. બંને પ્રેમીઓને માર મારતો વીડિયો વાયરલ થતાં આખરે સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી અને બંને પ્રેમીઓને મુક્ત કરાવીને સુખસર પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. ઘટનાને પગલે યુવકની ફરિયાદના આધારે સુખસર પોલીસે સાત લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

(9:21 pm IST)