Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો બની રહે તે માટે આઝાદી પછી બલિદાન આપનારા ડો. શ્યામપ્રસાદજી મુખર્જી સાચા અર્થમાં જનનાયક અને ''માં ભારતી'' ના પરમ ભકત હતાઃ નિતિનભાઇ પટેલ

ગાંધીનગર જીલ્લા ભાજપા મીડિયા રોલની યાદી જણાવે છે કે ગાંધીનગર જિલ્લા અને શહેર ભાજપા દ્વારા ટાઉન હોલ, ગાંધીનગર ખાતે તા. ર૩ જુન- ડો. શ્યામપ્રસાદ મુખરજીના બલિદાન દિવસ અને તા. રપમી જુન- કટોકટી દિવસના અનુસંધાનમાં રાજયના નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

 નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે તેના પ્રસોંગોચિત ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે  ભાજપા દ્વારા સમગ્ર દેશમાં ર૩ જુન અને રપ જૂન બંને દિવસની ઉજવણી પ્રજા વચ્ચે જઇને કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યૂં હતુ કે, કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો બની રહે તે માટે દેશની આઝાદી પછી બલિદાન આપનાર ડો. શ્યામપ્રસાદ મુખરજી સાચા અર્થમાં જનનાયક અને મા ભારતીના પરમ ભકત હતા.

કોંગ્રેસની સરકાર વખતે જવાહરલાલ નેહરૃ અને શેખ અબ્દુલ્લા વચ્ચે થયેલા કરાર અનુસાર કાશ્મીરને  અલગ ધ્વજ ફાળવવા અને કાશ્મીરના મુખ્યમંત્રી અલગ વડાપ્રધાન ગણાચશે તથા કોઇપણ ભારતીયને કાશ્મીરમા જવું હોય તો તે માટે મંજુરીલ લેવી પડશે. આ મુજબનો કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વને  હાનિ પહોંચાડતો હોય તેના વિરોધમાં તે વખતે નેહરુ સરકારમાં કેબિનટ કક્ષાનો ઉદ્યોગ મંત્રીનો  દરજ્જો ધરાવતા ડો શ્યામપ્રસાદ મુખરજીએ પળનો પણ વિલંબ કર્યા વિના પોતાના હેદાનો ત્યાગ કરી કાશ્મીર બચાવવા આંદોલનના શ્રીગણેશ કર્યા હતા.

શ્રી પટેલએ વધુમાં જણાવ્યુ હતુ કે, રપ મી જુન  ૧૯૭પ નો દિવસ ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં કલંક સમાન દિવસ કહી શકાય. જયારે હાઇકોર્ટે તે સમયે યોજાનાર ચૂંટણીના પરિણામોના સંદર્ભમાં ચુકાદો આપ્યો હતોે કે, તે તમામ પરિણામો રદ કરવા અને છ વર્ષ સુધી ઇન્દિરા ગાંધી કોઇપણ હોદો ધારણ કરી શકશે નહી. આ માટે પોતાની સત્તા અને સરકાર બચાવવા ઇન્દિરા ગાંધીએ ૧૯૭પમાં કટોકટકી લાદી હતી આ કટોકટી દરમ્યાન લાખો કાર્યકરો, નાગરિકો અને નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોતાના વડાપ્રધાન પદને બચાવવા લોકતંત્રના ચોથા સ્તંભ સમાન મીડિયા જગતનો અવાજ પણ દબાવી દેવા દમન ગુજારવામાં આવ્યો હતો.

 પટેલે જણાવ્યું હતુ કે  ભારતીય લોકતંત્રમાં ૧૯૭પના સમયગાળો કાળો અધ્યાય કહી શકાય. આપણી ભાવી પેઢી કોંગ્રેસ દ્વારા હાથ ધરાયેલ આવા અપકૃત્યોથી અવગત થાય, દેશની એકતા, અખંડિતતાની સાથે ચેડા કરનાર કોંગ્રેસને લોકો સુપેરે ઓળખે તે માટેનો આ સ્તુત્ય પ્રયાસ છે.

 નીતિનભાઇ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે આપણા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી પણ એ સમયે  સંઘના અને પાર્ટીના કાર્યકર હતા. તેઓ પણ છૂપા વેશે સમગ્ર ભારતભરનો પ્રવાસ કરીને કટોકટીના વિરોધમાં રહેલા તમામ પક્ષોને સંગઠિત કરી દમનકારી કોંગ્રેસ સરકાર સામે આંદોલનને મજબૂત બનાવ્યુ હતુ. આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીના જનનાયક  નરેન્દ્રભાઇ મોદી પણ તે સમયે લોકતંત્ર બચાવવા ભગીરથ પ્રયાસો કર્યા હતા.

 પટેલે અંતમાં  જણાવ્યું હતુ કે દેશના નાગરિકો આ તમામ બાબતોથી અવગત થાય, રાષ્ટ્ર ભાવના પ્રબળ બને ''રાષ્ટ્ર પ્રથમ'' ની લાગણી બળવતર બને, કાર્યકરોને પ્રેરણા અને માર્ગદર્શન મળે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ નિલેશભાઇ શાહ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, શહેર અને જિલ્લાના મહામંત્રીઓ તમામ વિધાનસભા મંડળના સંગઠન હોદેદારો અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:35 pm IST)