Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા મુદ્દે થયેલું ચિંતન

ગાંધીનગરમાં અતિમહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવીઃ વર્ષ ૨૦૧૭માં શિક્ષણ ક્ષેત્રે સર્વેક્ષણમાં ગુજરાતમાં વધારો થયા બાદ ગુણવત્તા ઉપર વધુ ભાર મુકવા માટેની સલાહ

ગાંધીનગર,તા.૨૭: ભારત સરકારે વર્ષ ૨૦૧૭માં શિક્ષણ ક્ષેત્રે કરેલા નેશનલ એચિવમેન્ટ સર્વેમાં ગુજરાતમાં ધોરણ-૩, ૫ અને ૮ ના ભાષા, ગણિત અને વિજ્ઞાનમાં ૯ ટકાનો સુધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૯માં આ સુધારાની ટકાવારીમાં હજુ પણ નોંધપાત્ર વૃદ્ધિ થાય તેવો સંકેત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આજે રાજ્યના જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની ગાંધીનગરમાં શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે શિક્ષણમાં હજુ પણ વધુ ગુણાત્મક શિક્ષણ માટે સંકલ્પબદ્ધ થવાની જરૃર છે. તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં જ્યારે આવા સર્વે થયા છે ત્યારે તેમાં હજુ પણ વધુ સુધારો થઈ શકે છે. આ માટે તમામ ડીપીઓ, ડીઈઓ અને સીઆરસી તથા બીઆરસીનું યોગદાન વધે તે જરૃરી છે. આજે યોજાયેલી બેઠકમાં શિક્ષણ મંત્રીએ સંબંધિત અધિકારીઓ સાથે સળંગ આખો દિવસ ચર્ચા વિચારણા કરી હતી. સાથે સાથે જરૃરી માર્ગદર્શન આપ્યું હતું. એચિવમેન્ટ સર્વેમાં આનાથી પણ વધારે ગુણાત્મક સુધારા લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ૧૧૫ જિલ્લાઓને પસંદ કરીને શિક્ષણના કયા સુધારાને અવકાશ છે તેનું નિર્દેશ કરતા આઠ ઈન્ડીકેટર નક્કી કર્યા છે. તેમાં ગુજરાતના બે જિલ્લાઓ નર્મદા અને દાહોદનો સમાવેશ થાય છે. ચુડાસમાએ કહ્યું હતું કે આ બંને જિલ્લામાં આઠ ઇન્ડિકેટર મુજબ શિક્ષણ સુધારાની પ્રક્રિયા શિક્ષણ વિભાગ દ્વારા શરૃ કરવામાં આવી ચુકી છે. આ આઠ ઈન્ડિકેટરમાં પ્રાથમિકથી ઉચ્ચ પ્રાથમિકમાં, ઉચ્ચ પ્રાથમિકથી માધ્યમિક શિક્ષણમાં ટ્રાન્ઝિશન રેટ વધારવા, ધોરણ-૩, ૫, ૮ તથા ગણિત વિષયમાં લર્નિગ આઉટકમમાં સુધારો કરવા, ૧૫ વર્ષ કરતા વધુ વયની દિકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ વધારવા, તમામ શાળાઓમાં કન્યા શૌચાલયની વ્યવસ્થા અને ઉપયોગિતા સુનિશ્ચિત કરવી, તમામ શાળાઓની વીજળી વ્યવસ્થા અને ઉપયોગિતાની ખાતરી કરવી, તમામ શાળાઓમાં આરટીઈના ધારાધોરણ મુજબ શિક્ષક વિદ્યાર્થીઓ રેશિયો નક્કી કરવા, શાળા શરૃ કરવાના એક માસમાં પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવી વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ બેઠકમાં આ તમામ ઈન્ડીકેટર્સનો ઉલ્લેખ કરી તે મુજબ શિક્ષણમાં હજુ પણ વધુ ગુણાત્મક સુધારા કરવા માટે ઉપાયોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વાંચન, ગણન, લેખનમાં નબળા વિદ્યાર્થીઓ ઉપર પણ વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરવામાં આવી હતી.

(9:41 pm IST)