Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

પ્લાસ્ટિક સામે ઝુંબેશ : તંત્ર ડીમાર્ટ-હેન્ડલુમમાં ત્રાટકયુ

૨૫ કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો : ૬૨ હજારથી વધુ દંડ ફટકાર્યો : આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા ઝુંબેશ વધારે સઘન બનાવાય તેવી પુરી સંભાવના

અમદાવાદ,તા.૨૭ : શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ વિરુદ્ધની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 'બીટ પ્લાસ્ટિક' અભિયાન હેઠળ તંત્રના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં પતંજલિના વિવિધ સ્ટોર્સમાં ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં પતંજલિના વિવિધ સ્ટોર્સમાંથી પ્લાસ્ટિકનો ૨૦ કિલો જેટલો જથ્થો જપ્ત કરીને રૂ. ૧.૨૫ લાખનો દંડ પણ તંત્રે ફટકાર્યો હતો. તો, ગઈકાલે સાંજે રાણીપમાં આવેલા ડી-માર્ટ અને નેશનલ હેન્ડલૂમમાં સોલિડ વેસ્ટ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા અને કુલ ૨૫ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો અને રૂ.૬૨ હજારથી વધુનો દંડ વસૂલ્યો હતો. અમ્યુકો તંત્રના આ દરોડાને પગલે હવે શહેરના અન્ય શોપીંગ મોલ્સ અને ધંધા-રોજગારના સ્થળોએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા પ્લાસ્ટિક સામેની તેમની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખે તેવી શકયતા છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ગેરકાયદે વપરાશને લઇ પતંજલિના ઈન્કમટેક્સ, વાડજ, આરટીઓ, મણિનગર સ્ટેશન, આનંદનગર અને ઈસનપુર જેવા વિસ્તારમાં આવેલા સ્ટોર્સમાંથી મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા દરોડા પાડી સપાટો બોલાવાયો હતો. દરમ્યાન ગઈકાલે સાંજે રાણીપના ડી-માર્ટ અને નેશનલ હેન્ડલૂમમાં તંત્ર ત્રાટક્યું હતું. ડી-માર્ટમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ૨૦ કિલોનો જથ્થો અને નેશનલ હેન્ડલૂમમાંથી ચાર કિલોનો જથ્થો જપ્ત કરીને મ્યુનિસિપલ સત્તાવાળાઓએ આ બંને સ્થળોએથી ક્રમશઃ રૂ. ૧૧ હજાર અને રૂ. ૫૧ હજાર મળીને કુલ રૂ. ૬૨ હજારથી વધુનો દંડ વસૂલ્યો હતો. આ અંગે વધુ માહિતી આપતાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકી કહે છે, આ ઉપરાંત ચાણક્યપુરીથી સાયોના સિટી સુધીના રોડ પરની ૭૦થી ૮૦ દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ૧૦ કિલોનો જથ્થો જપ્ત કરાયો હતો. ગઈકાલની પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની ઝુંબેશ હેઠળ તંત્ર દ્વારા કુલ રૂ. ૩.૮૦ લાખનો દંડ ફટકારાયો હતો. ડી-માર્ટ અને નેશનલ હેન્ડલૂમમાં ગ્રાહકો પાસેથી પ્રતિ થેલી રૂ. ચારથી પાંચ વસૂલાય છે, જેના પર ૫૧ માઈક્રોનની થેલી એવું છપાતું હોવા છતાં તે ૩૦થી ૪૦ માઈક્રોનની જ હોય છે, આ ઉપરાંત આવી થેલી રિસાઈકલિંગમાં ઉપયોગમાં આવતી નથી તેમજ લોકો દ્વારા તેમાં કચરો ભરીને રસ્તા પર ફેંકાતી હોઈ આવી થેલીના વપરાશ સામેની ઝુંબેશ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તા.૬ જૂનથી શહેરમાં પ્લાસ્ટિક બેગ, કપ, પાઉચ વગેરે પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. સાથે સાથે એવી જાહેરાત પણ કરી છે કે શહેરની કોઇ પણ શાકમાર્કેટ કે ફ્રૂટમાર્કેટમાં કે ફેરિયાઓ પાસે પ્લાસ્ટિક બેગનો વપરાશ થતો હશે તો તે તમામ એકમ સીલ કરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં રોજના ૧૦ લાખ પાણીનાં પાઉચ, પાંચ લાખ પાનમસાલાના પેકિંગ માટે વપરાતાં પ્લાસ્ટિકના રેપર્સ અને ૧૫ લાખ પ્લાસ્ટિકના કપનો વપરાશ છે.

આવાં વેચાણ કરતાં ૧૦૦થી વધુ એકમો હેલ્થ વિભાગે સીલ કર્યાં છે. પ્લાસ્ટિકના ઝભલાં વેચનારા સામે રૂ. ૫૦૦થી વધુ દંડ ફટકારવાનો તંત્રએ નિર્ણય લીધો છે. શહેરમાં રોજનો ૬૦૦થી ૭૦૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ થાય છે. શહેરના ફરવાલાયક સ્થળોએ પણ પ્લાસ્ટિક વેસ્ટ ઊભો ન થાય તે માટે નવી વ્યવસ્થા ઊભી કરાઇ છે. આગામી દિવસોમાં પણ અમ્યુકો તંત્ર દ્વારા પ્લાસ્ટિક વિરૂધ્ધની ઝુંબેશ વધુ સઘન બનાવાય તેવી પૂરી શકયતા છે.

(7:11 pm IST)