Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

અમુલ અને અનૂલ દુધ મુદ્દે કરવામાં આવેલા કેસમાં અમુલ ડેરીની જીત

વડોદરા: દેશભરમાં જાણીતી અમૂલ 20 વર્ષ બાદ અમદાવાદની એક ડેરી સામે કરેલો કેસ જીતી ગઈ છે. અમદાવાદની આ ડેરી અનૂલ શક્તિઅને અનૂલ તાજાના નામે દૂધનું વેચાણ કરતી હતી, જેની સામે અમૂલે વડોદરાની કોર્ટમાં કેસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમૂલ પણ તાજા અને શક્તિના નામે દૂધનું વેચાણ કરે છે.

1998માં અમૂલના ધ્યાનમાં આવ્યું હતું કે, નરોડામાં આવેલી શક્તિ ડેરી તેના ભળતા નામથી જ દૂધનું વેચાણ કરી રહી છે. અનૂલ શક્તિઅને અનૂલ તાજાનું માર્કેટિંગ કુલદીપ એન્ટરપ્રાઈઝ દ્વારા કરવામાં આવતું હતું. અમૂલે પહેલા તો તેમને લીગલ નોટિસ મોકલી હતી. જોકે, પોતાનું નામ અમૂલથી અલગ હોવાનો દાવો કરતા અનૂલના સંચાલકોએ કહ્યું હતું કે, અમૂલ અને અનૂલ વચ્ચે ગેરસમજ થવાની કોઈ શક્યતા નથી.

અમૂલની નોટિસનો જવાબ આપીને અમદાવાદની ડેરીએ પોતાની પ્રોડક્ટનું વેચાણ ચાલુ રાખ્યું હતું. જેની સામે અમૂલે નડિયાદની જિલ્લા કોર્ટમાં કેસ કર્યો હતો. ત્યારબાદ આણંદમાં નવી કોર્ટ બનતા આ કેસ ત્યાં ટ્રાન્સફર થયો હતો, અને આખરે વડોદરામાં નવી કોમર્શિયલ કોર્ટ બનતા આ કેસને ત્યાં ખસેડવામાં આવ્યો હતો.

અમૂલે દલીલ કરી હતી કે, અમદાવાદની ડેરી તેના જેવી જ ડીઝાઈનવાળા દૂધના પાઉચ અમૂલના ભળતા નામે વેચે છે. જેની સામે અનૂલે દાવો કર્યો તો કે, અનૂલનું નામ તેના સંચાલકોએ જ રાખ્યું છે, અને તેની સામે અમૂલે કરેલો દાવો ટકી શકે તેમ નથી. જોકે, અમૂલના વકીલે દલીલ કરી હતી કે, દૂધના પાઉચના રંગ અને ડીઝાઈનની અમૂલમાંથી જ કોપી કરાઈ છે, અને તેના પર અનૂલ કોઈ યોગ્ય ખુલાસો આપી શકી નથી.

અમૂલે કોર્ટમાં દાવો કર્યો હતો કે, અમદાવાદની ડેરી ગ્રામ્ય વિસ્તારોમાં દૂધનું વેચાણ કરે છે, અને અમૂલ જેવા જ લોગો અને ડીઝાઈનનો ઉપયોગ કરી તેનો ફાયદો ઉઠાવે છે. અનૂલના દૂધના પાઉચની ડીઝાઈન અદ્દલ અમૂલ જેવી જ હોવાથી ગ્રાહકો પણ મૂંઝાઈ જાય છે.

અમૂલે આ અંગે કોર્ટમાં દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા, જ્યારે જેમની સામે કેસ કરાયો હતો તે અનૂલના સંચાલકોએ કોર્ટમાં આવવાનું જ બંધ કરી દીધું હતુ. કોર્ટે ગત સપ્તાહે જ અમૂલની તરફેણમાં ચુકાદો આપતા અમદાવાદની ડેરીને અનૂલના નામે દૂધ વેચવાનું બંધ કરવા આદેશ આપ્યો હતો. પોતાના નામે ધંધો કરનારી કેટલીક પેઢીઓને પણ અમૂલ ભૂતકાળમાં કોર્ટમાં ઢસડી ચૂકી છે.

(4:18 pm IST)