Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

નામ પાછળ 'સિહ' લખવા કે 'મૂછો' રાખવા બાબતે રાજપૂત સમાજનો મહત્વનો ઠરાવ

ભારતીય સમાજ ગુજરાતમાં અને ભારતમાં જાતિવાદી-કોમવાદી દાવાનળમાં ન હોમાય અને પોતાના કુળ-જાતિની ઉજળી પરંપરાને જાળવીને સામાજિક સમરસતા સાથે સામાજિક ન્યાય માટે મથે અને નાના-મોટાના ભેદભાવ ભૂલી સર્વે ભવન્તું સુખિનઃ ર્વે સન્તુ નિરામયૉં વેદમંત્રને પચાવી પ્રગતિ કરે તેવો આજની ક્ષત્રિય-રાજપૂત સભા ઠરાવ કરે છે

અમદાવાદ, તા.૨૭: છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નામથી પાછળ સિંહ લખવા બાબતે કે મૂછો રાખવા બાબતે દલિતો તથા અન્ય પછાત કે નબળા વર્ગનાં લોકો સાથે અત્યાચારના કિસ્સાઓ બની રહ્યા છે. આ સમયે ગુજરાતભરનાં ક્ષત્રિય-રાજપૂત સમાજે તાજેતરમાં એક મહત્વનો ઠરાવ પસાર કર્યો છે.

આધારભૂત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૨૪ જૂન (રવિવાર)નાં રોજ, ગુજરાતભરનાં કારડિયા, ભોમિયા, નાડોદા ક્ષત્રિય-રાજપૂતો બનાસકાંઠાના નડેશ્વરી સ્થળે એકઠાં થયા હતા.  આ પ્રસંગે ગુજરાત સરકારનાં અધિક સચિવ કે.જી. વણઝારાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એક આગેવાને  જણાવ્યું હતું કે, આ મિટીંગનો ઉદ્દેશ્ય કોઇ રાજકીય નહોતો પણ સમાજના હિતને આગળ કઇ રીતે લઇ જવું અને સમાજિક સમરસતા કેમ વધે તે આશયથી મળી હતી અને આ મિંટીગમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતનાં બદલાતા રાજકીય-સામાજિક સમીકરણોના સંદર્ભમાં ગુજરાતના ક્ષત્રિય-રાજપૂત સમાજની મિટીંગનો દલિત અત્યાચાર સંદર્ભનો ઠરાવ અગત્યની ઘટના ગણી શકાય.

બે પાનાંના આ ઠરાવનાં મહત્વનાં અંશો અહીં પ્રસ્તુત છે.

''ભારતમાં દરેક જાતિને પોતાની આગવી રહન-સહન, ખાન-પાન, બોલચાલ, રીત-રિવાજ, સંસ્કાર-સંસ્કૃતિ અને પોતાના જ ગોળ-વાડામાં લગ્ન કરવાની સ્વીકાર્ય વ્યવસ્થા છે. પરંતુ તેનો અર્થ કોઇ ઉંચ કે કોઇ નીચ છે તેવો નથી. જાતિ પ્રથા એક પ્રકારની ની સેલ્ફ-હેલ્પ ગ્રુપ- મહાજન પ્રથા છે. જેનાથી સમાજ સંચાલન સરળ બને છે અને સમાજ સ્વંયશિસ્ત લાદે છે અને રાજતંત્ર પર વ્યવસ્થાનું ભારણ ઓછુ કરે છે. તેનો અર્થ એવો નથી કે, કોઇ સમાજ કે જાતિ મિથ્યામિભાનમાં ચૂર થાય અને કોઇ લઘુમતિથી દબાઇ જાય. બંને બાબતો તંદુરસ્ત સમાજ માટે દ્યાતક છે.

તાજેતરમાં મીડિયામાં પ્રસિદ્ઘ થયા પ્રમાણે કોઇ નબળા કે દલિત વર્ગની વ્યકિતને ઘોડેસવારી કરવાના કારણોસર, સુંદર વસ્ત્રો પહેરવાના કે નામની સાથે સિંહ જોડવાથી અથવા મૂછો રાખવાના કારણે તેમના ઉપર અત્યાચાર કરવાની કે તેનો વિરોધ કરવાની ઘટનાઓ આજની આ ક્ષત્રિય-રાજપૂત સભા દુઃખની લાગણી અનુભવે છે અને આવી ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી તેનો વિરોધ કરી આવી ઘટનાઓનું પનુરાવર્તન ન થાય તેવી તીવ્ર લાગણી વ્યકત કરે છે.

ભારત દેશની ઉજળી પરંપરા રહી છે કે, મહારાણા પ્રતાપના દાદા રાણા સાંગાની પૂત્રવધૂ મેવાડની મહારાણી મીરાબાઇ, બ્રહ્મજ્ઞાની રોહિદાસ ચમારની શિષ્યા હતી. મૂછો રાખવા વાળા કે નામ પાછળ સિંહ લખવાવાળા જ ક્ષત્રિયો કે બહાદૂર છે તેવું નથી. દશરથપુત્ર રામ કે વસુદેવપુત્ર કૃષ્ણ કે પાંડવોના નામ પાછળ સિંહ નહોતુ લખાતું. છતાંય તેઓ ઉચ્ચ દેવ કોટિના ક્ષત્રિયો હતા.

ભારતીય સમાજ ગુજરાતમાં અને ભારતમાં જાતિવાદી-કોમવાદી દાવાનળમાં ન હોમાય અને પોતાના કુળ-જાતિની ઉજળી પરંપરાને જાળવીને સામાજિક સમરસતા સાથે સામાજિક ન્યાય માટે મથે અને નાના-મોટાના ભેદભાવ ભૂલી સર્વે ભવન્તું સુખિનૅં, સર્વે સન્તુ નિરામયાઃ વેદમંત્રને પચાવી પ્રગતિ કરે તેવો ની ક્ષત્રિય-રાજપૂત સભા ઠરાવ કરે છે.''

આ ઠરાવ જેમની સહીથી પસાય થયો છે તેમાં કાનભા ગોહિલ (રજોડા), ડી.ડી રાજપૂત, રૈયાભા રાઠોડ, ધનજીભાઇ ગોહિલ, દીપસંગ ડોડિયા, ભીખુભાઇ ડોડિયા, કુંભાભાઇ રાજપૂત, ડો. ઉદયસિંહ રાજપૂત અને ગજેન્દ્રસિંહ મકવાણાનો સમાવેશ થાય છે. કે.જી વણઝારાએ એક સમર્થક તરીકે સહી કરી છે.(૨૨.૫)

(11:46 am IST)