Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

મહેસાણાથી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણ સામે ખેડૂતો ખફા : વિરોધ પ્રદર્શન કરાયું

આગામી સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન થાય તેવી પણ શક્યતાઓ

મહેસાણા :  નેશનલ હાઈવે નિર્માણ કેન્દ્ર દ્રારા મહેસાણા થી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણ થનાર છે.ત્યારે તેની જાહેરાત થતા જ હવે તેનો વિરોધ શરુ થઇ ગયો છે.ઇડર તાલુકાના ખેતી પર નિર્ભર ખેડૂતો આ હાઈવેના કારણે જમીન વિહોણા થઇ રહ્યા હોવાને લઈને હવે તેઓએ રજૂઆતોનો દોર શરુ કર્યો છે.

મહેસાણા શામળાજી નેશનલ હાઇવે બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવાઈ છે.જે હાઈવે વાયા ઇડર થઈ ને પસાર થાય છે.
ત્યારે ઇડર તાલુકાના ૧૦ થી વધુ ગામડાઓમાંથી હાઇવે પસાર થતા ખેતીની જમીન સંપાદિત કરવાનું શરું થનાર છે. જેમાં દસ ગામોના ૩૨૦ કરતા પણ વધુ ખેડૂત ખાતેદારોની જમીન રોડ માં સંપાદિત થઈ રહી છે. જે પૈકીના ૧૫ કરતા વધુ ખેડૂતોને તો તમામ જમીન રોડમાં સંપાદિત થઈ જાય છે.

હાઈવેની મંજુરી મળતા જ ખેડુતોએ વિરોધ શરૂ કર્યો છે.તો સાથે સાથે આવેદનપત્રોનો દોર પણ શરુ કર્યો છે. જે અંતર્ગત ઇડર તાલુકાના મણીઓર, સદાતપુરા, સાપાવાડા, લાલોડા, સવગઢ, છાવણ, બુઢિયા, વાસડોલ, બડોલીના ખેડૂતો એકઠા થયા હતા.અને આગામી સમયમાં પોતાની જમીન બચાવવા માટે ની રણનીતિ નક્કી કરવામાં આવી હતી

કેન્દ્ર સરકાર દ્રારા હાઈવે બનાવવાની લીલી ઝંડી અપાઈ છે. પરંતુ મેપ બનાવવા માટે કોઈ સર્વે કરાયો નથી. માત્ર સેટેલાઇટ તસ્વીર આધારે સર્વે કરી ખુન્ટ લગાવી દેવામાં આવ્યા છે. પરંતુ હાઇવે ઓથોરિટી કે સરકાર દ્વારા ખેડૂતોને કોઈ જાણ કરવામાં આવી નથી.જેને લઈને આગામી સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન થાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે.

(9:33 pm IST)