Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કારને અકસ્માત:રસ્તા પર વિદેશી દારૂની રેલમછેલ : લોકોએ લૂંટ કરી

રાહદારીઓ અને વાહન ચાલકોએ અકસ્માતગ્રસ્ત કારમાંથી બહાર ફેંકાયેલી વિદેશી દારૂની બોટલોની જાણે રીતસરની લૂંટ મચાવી

વલસાડ નજીક નેશનલ હાઇવે પર દારૂની જાણે લૂંટ મચી હતી. દારૂ ભરેલી કાર પલટી મારતા જ દારૂની બોટલો હાઇવે પર પડી હતી. જેને જોઇને હાઇવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોએ અકસ્માતગ્રસ્ત કારમાંથી બહાર ફેંકાયેલી વિદેશી દારૂની બોટલોની જાણે રીતસરની લૂંટ મચાવી હતી. હાઇવે પર વિદેશી દારૂની મચેલી લૂંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. બનાવની જાણ થતા જ વલસાડની ડુંગરી પોલીસે પણ સ્થળ પર પહોંચીની હતી અને તપાસ હાથ ધરી હતી.

વલસાડના ડુંગરી નજીક નેશનલ હાઇવે ઉપર ડુંગરી બ્રિજ ઉતરતા જ હાઇવે પરથી પૂર ઝડપે પસાર થતી એક કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઇ હતી. કાર પલટી મારતા તેમાં ભરેલી વિદેશી દારૂની બોટલો કારની બહાર હાઇવે પર પડી હતી. હાઇવે પર દારૂની બોટલોની રેલમછેલ થતા નજીકથી પસાર થતા રાહદારીઓ અને આજુબાજુના વિસ્તારના રહીશોએ દારૂની જાણે ખુલ્લેઆમ લૂંટ ચલાવી હતી.

જેને જે હાથ લાગી તે વિદેશી દારૂની બોટલો લઇને લોકો ભાગી છૂટ્યા હતા. બનાવની જાણ ડુંગરી પોલીસને થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ડુંગરી પોલીસ ઘટના સ્થળે પહોંચી એ પહેલા જે લોકો દારૂની બોટલોની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.

આ ઘટનામાં કારમાં સવાર ત્રણથી ચાર વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હોવા છતાં તેઓ કારમાંથી ઉતરી ભાગી છૂટ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દારૂની છૂટ ધરાવતા દમણ અને સેલવાસથી દારૂનો જથ્થો અવનવી તરકીબો અજમાવી રોડ મારફતે કાર, ટ્રક, ટેમ્પા કે અન્ય વાહનોમાં ઘૂસાડતા હોય છે.

દારૂની હેરાફેરી કરતા બુટલેગરોના વાહનોને અકસ્માત થયો હોય ત્યારે સ્થાનિકોએ બાટલીઓની લૂંટ ચલાવી હોય તેવા બનાવો અગાઉ પણ બન્યા છે. હવે ફરી એક વખત વલસાડ નજીકના ડુંગરી નેશનલ હાઈવે પર દમણથી સુરત તરફ જતી પૂરપાટ ઝડપે ક્રેટા કાર નંબર જીજે 05/જીઓ – 7205 ડિવાઇડરમાં ચડી ગઈ હતી. જેનાથી અંદર ભરેલી દારૂની બોટલી રસ્તા પર પડી હતી.

બનાવ બાદ લોકોએ દારૂની જાણે ખુલ્લેઆમ લૂંટ ચલાવી હતી. ડુંગરી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં લોકો મોટાભાગનો દારૂનો જથ્થો લઈ ગયા હતા.

એક ચર્ચા મુજબ અકસ્માતગ્રસ્ત કારમાં પાંચ પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો હતો. જેની લોકો લૂંટ કરી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં લોકો અંદર રહેલો દારૂ લૂંટીને ફરાર થઈ ગયા હતા.

(4:10 pm IST)