Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

અમદાવાદમાં 5G ઇન્‍ટરનેટનું ટેસ્‍ટીંગઃ ડાઉનલોડ સ્‍પીડ ૧.પ ગીગાબાઇટ

રાજકોટ તા. ર૭: અમદાવાદીઓ માટે ખુશ ખબરના સમાચાર સામે આવ્‍યા છે, અમદાવાદમાં 5G  ઇન્‍ટરનેટનું ટેસ્‍ટિંગ શરૂ કરાયું. શહેરના પ્રહલાદનગર વિસ્‍તારમાં વિવિધ સ્‍થળોએ 5G  ઇન્‍ટરનેટનું ટેસ્‍ટિંગ કરાયું. ટેલિકોમ્‍યુનિકેશન ડિપાર્ટમેન્‍ટ દ્વારા આ ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું. ર૮ જેટલાં મોબાઇલમાં 5G  ઇન્‍ટરનેટનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે.

શહેરમાં અલગ-અલગ ૧૩ જેટલી જગ્‍યાઓએ આ ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે. જેમાં DoT ના જણાવ્‍યાં અનુસાર, ડાઉનલોડની સ્‍પીડ 1.5 ગીગાબાઇટ  (Gigabyte) જેટલી નોંધાઇ છે.

DoT ના અધિકારીઓએ જણાવ્‍યું હતું કે પ્રહલાદનગરમાં 5G ટેકનોલોજી માટે સ્‍થાપિત ઉપકરણ શૂન્‍ય કૂટપ્રિન્‍ટ સાથેના કોમ્‍પેકટ સિંગલ-બોકસ હતાં, જે સ્‍થાનિક 5G કવરેજ પ્રદાન કરવા માટે 10m અથવા 15m પોલ પર પણ ઇન્‍સ્‍ટોલ કરી શકાય છે.

DoT નિરીક્ષણની આ ટીમમાં DoT ગુજરાતના પ્રમુખ ગુંજન દવે અને DoT ગુજરાતના અધિકારી સુમિત મિશ્રા સામેલ હતા. પ્રહલાદનગર સાઇટનું પરીક્ષણ દૂરસંચાર એન્‍જિનિયરિંગ કેન્‍દ્ર (TEC), દૂરસંચાર વિભાગની તકનીકી શાખા દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવ્‍યું હતું. જે દૂરસંચાર નેટવર્ક ઉપકરણ અને સેવાઓ માટે સામાન્‍ય ધોરણોની વિશિષ્‍ટતાઓને તૈયાર કરે છે.

DoT ની અખબારી યાદીમાં જણાવાયું કે, તેની ગુજરાતની ટીમે ફેબ્રુઆરીમાં ગાંધીનગરના મહાત્‍મા મંદિર ખાતે 5G ટેસ્‍ટ સાઇટ માટે  4 Gbps ની મહત્તમ ડેટા ડાઉનલોડ સ્‍પીડ રેકોર્ડ કરી હતી, જે અન્‍ય ખાનગી મોબાઇલ સેવા પ્રદાતા દ્વારા ઇન્‍સ્‍ટોલ કરવામાં આવી હતી.

(3:09 pm IST)