Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

પીવાના પાણીની સમસ્યા નિવારવા સરકાર સક્રિય :જાહેર કર્યો 1916 ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર :નોંધાવી શકાય છે ફરિયાદ

પાણીને લગતી કોઇ પણ સમસ્યાઓને લગતી ફરિયાદ ‘1916’ નંબર પર કરી શકે છે : અન્ય નંબર 1800 233 3944 પણ કાર્યરત

ગાંધીનગરઃ રાજ્યમાં પીવાનાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા  સરકાર સક્રિય બની છે પીવાનાં પાણીની સમસ્યાથી છુટકારો મળી રહે તે માટે પીવાના પાણીની ફરિયાદને નોંધવા માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડે એક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જેની પર રાજ્યનો કોઇ પણ નાગરિક પીવાનાં પાણીની સમસ્યાઓ જેવી કે હેન્ડપંપ રિપેરીંગ, મીની પાઇપ યોજનાનું રિપેરીંગ તથા સોસાયટીને લગતી અન્ય કોઇ પણ સમસ્યાઓને લગતી ફરિયાદ નાગરિકો ‘1916’ નંબર પર કરી શકે છે.

ગુજરાત પાણી પુરવઠા બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં પીવાનાં પાણીને લગતી ફરિયાદો જેમાં પાઇપલાઇનનાં ભંગાણથી લઇને પાણીની ચોરી થતી હોય અથવા કોઇ વિસ્તારમાં જો પાણીનો ખોટો વ્યય થતો હોય તો તેવાં કિસ્સામાં પાણી અંગેની કોઈ પણ ફરિયાદ નાગરિકો નોંધાવી શકે છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઇન ફરિયાદ નોંધી શકાય તે માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે પાણીની કોઇ પણ સમસ્યાને લગતી ઓનલાઈન ફરિયાદ https://ws.gujarat.gov.in/ વેબસાઈટનાં New Complaint સેક્શન મારફતે નવી ફરિયાદ નોંધાવી શકાશે.

સાથે જો ક્યારેક પાણીને લગતી કોઇ પણ સમસ્યાને લગતો આ ટોલ ફ્રી નંબર ‘1916’ જો વ્યસ્ત આવે તો તેવાં સમયે નાગરિક પાણીને લગતી ફરિયાદને આપવામાં આવેલાં અન્ય નંબર 1800 233 3944 ઉપર પણ નોંધાવી શકાશે તેવું ગુજરાત પાણી પુરવઠા બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(8:50 pm IST)