Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

વિરમગામના સરસાવડી ગામમાં લક્ષણો આધારીત કોવિડ સઘન સર્વેલન્સ શરૂ

જીલ્લા આરસીએચઓ ડૉ.ગૌતમ નાયક દ્વારા સરસાવડી ગામની મુલાકાત લેવાઈ:ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સેનેટાઇઝેશન કામગીરી કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં દિલ્હીથી આવેલા ૨ મહિલાઓનો કોરોના પોઝીટીવ કેસ નિકળતા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ હસ્તકની મેડીકલ ટીમ દ્વારા લક્ષણો આધારીત કોવિડ સઘન સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે. મેડીકલ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યુ છે તેમજ પલ્સ ઓક્સીમીટર મશીનથી તમામના એસ.પી.ઓ.ટુ પણ માપવામાં આવી રહ્યુ છે.

  આ વિસ્તારમાં આરોગ્ય ટીમો દ્વારા ખાસ ૦ થી ૫ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ૬૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તેમજ લાબા ગાળાની ગંભીર બિમારીવાળા વ્યક્તિઓની સવિશેષ કાળજી લેવામાં આવે છે. લોકોને કોરોના વાયરસથી બચવાના ઉપાયો સમજાવવામાં આવી રહ્યા છે. સરસાવડી ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સેનેટાઇઝેશન કામગીરી કરવામાં આવી હતી.

  અમદાવાદ જીલ્લા આર.સી.એચ.ઓ ડૉ.ગૌતમ નાયક દ્વારા ઇન્સીડન્ટ કમાન્ડર અને પ્રાન્ત ઓફિસર સુરભી ગૌતમની મુલાકાત લઇને વિરમગામ તાલુકામાં કોરોના કેસ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સરસાવડી ગામમાં સરપંચ, ગ્રામ્ય યોદ્ધા સમીતીના સભ્યો સાથે બેઠક કરીને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. સરસાવડી ગામમાં ૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કામાગીરી શરૂ કરવામાં આવી છે.

   વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં દિલ્હીથી આવેલા ૨ મહિલાઓનો કોરોના પોઝીટીવ કેસ નિકળતા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ હસ્તકની મેડીકલ ટીમ દ્વારા લક્ષણો આધારીત કોવિડ સઘન સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે. દર્દીના સંપર્કમાં આવેલા ૬ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે અને તેઓને ઘરની બહાર ન નિકળવા માટે જણાવવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી શરૂ કરાઇ છે અને શરદી, ઉઘરસ વાળા દર્દીઓને શોધીને સારવાર આપવામાં આવી રહી છે. હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાઇરસના ચેપથી ચોક્કસ બચી શકાય તેમ છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢા ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ.

(7:05 pm IST)