Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ઓનલાઇન પૈસા કમાવવાની લાલચમાં અમદાવાદનો યુવક રમી રમો અને જીતો લાખો કોડો રૂપિયામાં ૪.૩૯ લાખ હારી ગયો

અમદાવાદ: હાલ મોબાઈલ ફોનની અનેક એપ્લિકેશનમાં ઓનલાઈન રમી રમો અને જીતો લાખો કરોડો રૂપિયા આવી જાહેરાત આવી રહી છે. જુગરિયાઓ તેની લતે લાગતા હોવાની ઘટનાઓ સામે આવે છે. આવો એક કિસ્સો અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આવ્યો છે. એક જગ્યાએ નોકરી કરતા મેનેજર લોકડાઉનમાં રૂપિયા કમાવવા માટે ઓનલાઈન રમી રમતા હતા. તેઓ જ્યાં નોકરી કરતા હતા, તે કંપનીને આપવાનું 4.39 લાખનું પેમેન્ટ આપી પોતે ઓનલાઈન રમીમાં હારી ગયા હોવાનું સામે આવ્યું છે.

પાલડીના ફતેહપુરામાં આવેલી પંકજ સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ શાહ સહેર રિટેલ પ્રાઇવેટ લિમિટેડમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. કંપની હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું વેચાણ કરે છે. કંપનીનો શો રૂમ બોડકદેવમાં આવેલો છે અને તેના ડિરેકટર મિતુલ ગાંધી અને શીતલબહેન શાહ છે. સિવાય કંપનીમાં 12 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. શો રૂમમાં સેલ્સમેન કમ કેશિયર તરીકે નવા વાડજમાં રહેતા ઉપેન્દ્ર મકવાણા પણ નોકરી કરે છે. વેચાણ વસ્તુઓની જે રકમ આવે તે ઉપેન્દ્ર ભાઈ રાખતા હતા અને વધુ રકમ ભેગી થાય તો તેઓ બેંકમાં જમા કરાવી આવતા હતા.

કોરોનાની મહામારી આવતા માર્ચ મહિનાથી શો રૂમ બંધ હતો. ફેબ્રુઆરી તથા માર્ચ મહિનાની આવેલી રકમ ઉપેન્દ્રભાઈ પાસે હતી. ડિરેક્ટરના પતિએ મળવા બોલાવી રકમ પણ માંગી હતી. જોકે ઉપેન્દ્ર આવ્યો હતો. બે માસની સાતેક લાખની રકમ આવી હતી. જેમાંથી 4.39 લાખ જેટલી રકમ ઉપેન્દ્રએ તેની પાસે રાખી હતી. તે મળવા આવતા અને રૂપિયા પણ પરત આપતા ડિરેક્ટરે તેનો સંપર્ક સાધ્યો હગતો. ત્યારે ફોન પર ડિરેક્ટરોને સંપર્ક થતા ઉપેન્દ્રએ જણાવ્યું કે તે ઓનલાઈન રમી રમવામાં હારી જતા તેની પાસે રૂપિયા નથી. ઉપેન્દ્રએ કંપની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરતા એકાઉન્ટ વિભાગમાં કામ કરતા હર્ષદ શાહે ઉપેન્દ્ર મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે. વસ્ત્રાપુર પોલીસે આઇપીસી 408, 420 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તેવું ડિવીઝનના એસીપી એમ. પટેલે જણાવ્યું હતું.

(5:07 pm IST)