Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ખેડૂતોની ધિરાણની મુદત વધુ લંબાવાશે

ગુજરાતના લાખો અને દેશના કરોડો ખેડૂતોને રાહત આપવા સંભવત સાંજે મોદી કેબીનેટમાં નિર્ણય : અગાઉ બે માસ લંબાવાયેલી મુદત હવે વઘુ ૩ માસ ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્દેષ

રાજકોટ, તા. ર૭ : દેશના ખેડૂતો દ્વારા ખેત ઉપજ માટે લેવાતી લોન પરત કરવાની મુદતમાં વધારો કરવાની લાગણી સરકારે ધ્યાને લીધી છે. ગુજરાતના લાખો અને દેશના કરોડો ખેડૂતોને રાહત આપતો મુદત વધારાનો નિર્ણય આજે સાંજે વડાપ્રધાન શ્રી મોદીની અધ્યક્ષતામાં મળનાર કેન્દ્રીય કેબીનેટમાં લેવાય તેવી પ્રબળ સંભાવના છે.

ખેડૂતો બિયારણ-ખાતર વિગેરે માટે સહકારી અને રાષ્ટ્રીયકૃત બેન્કમાંથી ધિરાણ લેતા હોય છે. આ ધિરાણ પર કેન્દ્ર સરકાર ૪ ટકા વ્યાજ ભોગવે છે. ગુજરાત સરકાર ૩ ટકા વ્યાજ ભોગવે છે. આ રીતે વ્યાજનો બોજ બંને સરકારો ઉઠાવતી હોવાથી ખેડૂતોને વગરે વ્યાજે ધિરાણ મળે છે.

ધિરાણની રકમ જે તે વર્ષની તા. ૩૧ માર્ચ સુધીમાં બેન્કમાં પરત કરી દેવાની હોય છે આ વખતે લોકડાઉનની પરિસ્થિતિને અનુલક્ષીને સરકારે ધિરાણની મુદત ૩૧ -પ સુધી વધારી આપેલ છે. હજુ કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ થાળે પડી નથી તેથી ખેડૂતોની લાગણી મુજબ ગયા વર્ષના ધિરાણની મુદત કેન્દ્ર સરકાર વધુ ૩ મહિના લંબાવી દેવા માંગે  છે. તા. ૩૧ મે ના બદલે ૩૧ ઓગષ્ટ સુધી ખેડૂતોને મુદત આપવામાં આવે તેવા સંકેત મળે છે. સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં જ થશે. ગુજરાતમાં પ૬ લાખ અને દેશમાં ૧૪ કરોડો જેટલા ખેડૂતો છે તે પૈકી ધિરાણનો લાભાર્થી વર્ગ મોટો છે.

(4:02 pm IST)