Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ચુંદડીવાળા માતાજી ઉપરના રિસર્ચ વિશ્વ કલ્યાણ માટે લાભદાયીઃ માનવજાતિ ઝીરો અથવા ઓછી કેલેરી સાથે જીવી શકે છે

દેશના વિખ્યાત ન્યુરોલોજીસ્ટ પદ્મશ્રી ડો.સુધીર શાહે બે વખત પરિક્ષણ કરેલ : પરિક્ષણ ભુખમરાગ્રસ્ત વિસ્તારો, અંતરીક્ષ યાત્રી અને સૈનિકો માટે ખુબ જ ઉપયોગી થશે : ચુંદડીવાળા માતાજીના પાર્થીવ દેહના દર્શનનો આજે અંતિમ દિવસઃ કાલે સમાધી અપાશે

અમદાવાદઃ ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાનીનું ગઈકાલે દુઃખદ નિધન થતા ભાવિકોમાં ઊંડો શોક પ્રસરી ગયો છે. ત્યારે તેમના પર બે વાર પરીક્ષણ કરનાર વિશ્વના પ્રસિધ્ધ ન્યુરોલોજીસ્ટ પદ્મશ્રી ડો.સુધીર શાહે જણાવેલ કે માતાજીનો કેસ વિશ્વમાં ખુબ જ અનોખો છે, કેમ કે કોઈ યોગી આટલી સાધના કર્યા બાદ પોતાના શરીરની બે- બે વખત તપાસ કરાવે એ મોટી વાત છે. તેમના શરીરની વાત ખુબ જ અલગ છે.

પદ્મશ્રી ડો.શાહે જણાવેલ કે માતાજી ઉપર કરવામાં આવેલ શોધથી વિશ્વ કલ્યાણમાં ફાયદો થઈ શકે છે. ભુખમરાના વિસ્તારોમાં તેમના ઉપરનું પરિક્ષણ ઉપયોગી થઈ શકે છે. તેમણે વધુમાં જણાવેલ કે જયાં ભુખમરો છે ત્યાં માતાજીની જેમ ઝીરો કેલેરી અથવા ઓછી કેલેરી ઉપર રહેતો અનાજની સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે. લાંબા સમય માટે અંતરીક્ષમાં રહેનાર અંતરિક્ષ યાત્રીઓ માટે પણ આ શોધ કામ આવી શકે છે. ઉપરાંત આપણા સૈન્યના જવાનોને પણ વિપરીત પરિસ્થિતિઓમાં ફાયદો થઈ શકે છે. ઓછી કેલેરીમાં પણ  માનવી જીવીત રહી શકે છે. આમાં વધુ શોધથી વિજ્ઞાનને મદદ અને નવી દિશા મળી શકે છે.

ચુંદડીવાળા માતાજી ઉપર કરાયેલ શોધ ઉપરથીએ પણ જાણી શકાયુ છે કે ભોજન વિના અથવા ઓછા ભોજને પણ રહી શકાય છે. એટલે કે કેલેરી વિના કે ઓછી કેલેરી સાથે માનવ જાતિ જીવી શકે છે. તેના માટે બાયો ટ્રાંસફોર્મેશન થવું જોઈએ. જે વિશ્વના વિજ્ઞાન માટે મોટો પડકાર છે. જે માટે યોગ, ધ્યાન, પ્રાણાયામ જેવી ક્રિયાઓ થઈ શકે છે.

ડો.શાહના જણાવ્યા મુજબ ૯૨ વર્ષની ઉંમરે પણ ચુંદડીવાળા માતાજી ખુબ જ સ્વસ્થ હતા. બે મહિના પહેલા જ ડો.શાહ તેમને મળેલ. પ્રહલાદભાઈ જાનીનું મનોબળ પણ જબરદસ્ત હોવાનું તેમણે જણાવેલ. માતાજી કયારેય બિમાર ન પડેલ. જો ચાર દિવસ સુધી કોઈ વ્યકિત પેશાબ ન કરે તો તેની કિડની ફેલ થઈ જાય છે, પણ માતાજી સાથે આવું ન બનેલ.

બે- બે વખત ચુંદડીવાળા માતાજી ઉપર પરિક્ષણ અંગે પણ ડો.સુધીર શાહે માહિતી આપતા જણાવેલ કે પહેલીવાર વર્ષ ૨૦૦૩માં  અને ત્યાર બાદ ૨૦૧૦માં બીજી વખત પરિક્ષણ કરવામાં આવેલ. માતાજીને લઈને પૂર્વ રાષ્ટ્રપતિ ડો.કલામને પણ મળવાનું થયેલ. તેમના કહેવાથી જ ડીઆરડીઓ અને દીપાસની ટીમ પરિક્ષણમાં જોડાઈ હતી. પહેલીવાર ૧૦ દિવસ અને બીજીવાર ૧૫ દિવસ પરિક્ષણ કરવામાં આવેલ. ડો.શાહે રિસર્ચ ટીમના અધ્યક્ષ તરીકે ચુંદડીવાળા માતાજીના શરીરના એક- એક અંગની તપાસ કરી હતી.

(3:56 pm IST)