Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ટ્રકો છોડાવવા માટે મામલતદાર - સર્કલ ઓફિસર - નાયબ મામલતદાર વિગેરે ૧.૧૦ લાખ માંગેલ

'કોરોના નામ કી ધૂમ મચી હૈ, લૂંટ શકે તો લૂંટ' : લાંચીયાઓએ પણ લાંચના ભાવમાં વધારો કરી નાખ્યો : ર૦ હજાર આપ્યા બાદ બાકીની રકમ મોટી લાગતા ફરીયાદીએ એસીબીમાં ફરીયાદ કરતા છટકુ ગોઠવાયેલઃ કેશવકુમાર ટીમ દ્વારા વધુ એક મોટા શિકારની રસપ્રદ કથા

રાજકોટ, તા., ર૭: 'કોરોના વાયરસના નામની ધૂમ મચી છે, લૂંટી શકાય તેટલું ગ્રાહકોને લૂંટો' એવી માનસિકતા સાથે કેટલાક વેપારી દ્વારા જે રીતે પોતાની રીતે ભાવ વધારો કરી ગ્રાહકો પાસેથી વધુ રકમ પડાવવામાં આવે છે તે જ રીતે લાંચના ભાવમાં પણ 'લાંચીયા'ઓ દ્વારા મોટા પ્રમાણમાં લાંચના ભાવમાં વધારો કર્યો હોય તેવું વધુ એક પ્રકરણ બહાર આવ્યું છે.

માટી ખનનની પરમીટ ધરાવતા એક કોન્ટ્રાકટર દ્વારા માટીના ટ્રકોની હેરફેરનો રોયલ્ટી પાસ હોવા છતા તે જપ્ત કરવામાં આવેલ, જે છોડાવવા માટે માંગણી થતા નવસારી(ગ્રામ્ય)ના મામલતદાર યશપાલ ગઢવી, સર્કલ ઓફીસર શૈલેષભાઇ રબારી, નાયબ મામલતદાર સંજયભાઇ દેસાઇ અને કલાર્ક કપીલ જેઠવા દ્વારા ટ્રકો છોડવા માટે ૧,૧૦,૦૦૦ની માંગણી કરવામાં આવતા, ફરીયાદી દ્વારા જે તે સમયે ર૦ હજાર આપી બાકીની રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક સાધતા સુરત એસીબીના મદદનીશ નિયામક એન.પી.ગોહીલના સુપરવીઝન હેઠળ નવસારી એસીબી પીઆઇ બી.જે.સરવૈયા દ્વારા મામલતદાર, સર્કલ ઓફીસર, નાયબ મામલતદાર અને કલાર્ક સામે એક-બીજાની મદદગારીથી લાંચની માંગણી કરી સ્વીકારવાનો ગુન્હો કરતા ઝડપી લેવામાં આવ્યા હતા.

અત્રે એ યાદ રહે કે ટ્રકો છોડાવવા માટે મામલતદાર યશપાલ ગઢવીનો સંપર્ક સાધવામાં આવતા તેઓએ સર્કલ ઓફીસરને મળવા જણાવી લેવડ-દેવડ કરવા સુચવ્યાનો ફરીયાદીનો આક્ષેપ હતો.  ફરીયાદીએ એવો પણ આક્ષેપ કરેલ કે સર્કલ ઓફીસરના કહેવાથી નાયબ માલતદારને ર૦,૦૦૦ની લાંચની રકમ આપેલ બાકીની ૯૦,૦૦૦ની લાંચની રકમ મોટી હોવાથી ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી છટકુ ગોઠવવામાં આવેલ. આમ કોરોના કાળમાં પણ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શન હેઠળ રાજયભરની ટીમો મોટા માથાઓને સકંજામાં લઇ પ્રજાને રાહત અપાવવા સક્રિય રીતે ફરજ બજાવી રહી છે.

(1:11 pm IST)