Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

'શરાબકાંડ' વડાપ્રધાન સુધી પહોંચ્યું: ૨૦૦૦ ટવીટઃ સીબીઆઇ તપાસની માંગ

પોલીસ જ બુટલેગર બનેલી !! મહેસાણા પંથકમાં મુદામાલનો દારૂનો વેચી નાખવાના રાજયવ્યાપી ચકચારી મામલામાં નવો વણાંક : તપાસની 'તપાસ' પણ વિવાદમાં: આગેવાનોને જુદી જ 'બુ' આવે છેઃ ખળભળાટ

રાજકોટ, તા., ૨૭: મહેસાણા પંથકના કડીમાં પોલીસના જવાબદાર અધિકારીઓ  દ્વારા બુટલેગર પાસેથી કબ્જે થયેલ ખુબ જ મોટી રકમનો દારૂ સગેવગે કરી અને મોટે પાયે વેચાણ કર્યા બાદ કંઇક ગંધ આવી જતા દારૂનો નર્મદા કેનાલમાં નિકાલ કરી દેવાના ચકચારી મામલો રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા સુધી પહોંચતા ગાંધીનગર રેન્જ વડા મયંકસિંહ ચાવડાને તાકીદે તપાસ કરવા આપેલા આદેશના પગલે થયેલી કાર્યવાહી પણ વિવાદમાં ફસાઇ ગઇ છે.  કડી સહિતના  મોટી સંખ્યામાં અગ્રણીઓ દ્વારા વડાપ્રધાનને ટવીટ કરી આ મામલામાં ઘણી શંકા-કુશંકાઓનો ઉલ્લેખ કરી સીબીઆઇને તપાસ સુપ્રત કરવા માંગણી કરતા ખળભળાટ મચ્યો છે.

ઉકત આગેવાનો દ્વારા પીઆઇ એલસીબીની જુનાગઢ ખાતે જે રીતે બદલી થઇ છે, તે જ રીતે કડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કે જેઓ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફરજ બજાવતા હતા તેઓને આરોપીના પીંજરામાં મુકવા સામે પણ પ્રશ્નાર્થ ઉભા કરવામાં આવ્યા છે. મોટા અને જવાબદાર અધિકારીઓ આબાદ છટકી ગયાના આરોપ પણ વડાપ્રધાનને થયેલા ટવીટમાં કરવામાં આવ્યા છે.  અત્રે યાદ રહે કે મહેસાણા જીલ્લાના કડીમાં મુદામાલના દારૂનો જથ્થો કડી પીઆઇની સંડોવણીથી હોમગાર્ડ જવાન ગીરીશ મારફતે બુટલેગરને વેચ્યાના આરોપ લાગ્યા હતા. જેની તપાસ ગાંધીનગરના એસપી મયુરસિંહ ચાવડાને સોંપવામાં આવતા જુદી જુદી ટીમો બનાવી એનડીઆરએફ ટીમ દ્વારા દારૂની બોટલો કબ્જે કરવામાં આવી હતી. હજુ પણ ઘણી બોટલો આગળ નિકળી ગયાની શંકા સાથે તપાસ ચાલી રહી છે. દરમિયાન પોલીસ અને બુટલેગરો વચ્ચેની સાંઠગાંઠના સીસીટીવી ફુટેજ પણ પોલીસને મળ્યાના અહેવાલો રાજયભરમાં ગુંજી રહયા છે.

(1:08 pm IST)