Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

દેવું ચુકવવા દેવું કરવું પડયું

લોકડાઉનથી આવક 'લોક' થતાં સરકારે ૧૫૦૦ કરોડ ઉછીના લીધાઃ વધુ ૧૦૦૦ કરોડ મેળવવા પ્રયાસ

ગુજરાત સરકારને મહિને રૂ.૩૫૫૦ કરોડનો હપ્તો ભરવો પડે છેઃ આવકના નામે મીંડુ થઇ ગયુ છે

નવી દિલ્હી, તા.૨૭: લોકડાઉનને કારણે ગુજરાત સરકારની આવક પર પણ જોરદાર ફટકો પડ્યો છે. સરકારે જે લોનો લીધેલી છે તેની ચૂકવણી કરવાની પણ મુશ્કેલ થઈ જતાં હવે દેવું ચૂકવવા ૧૫૦૦ કરોડ રુપિયા ઉછીના લીધા છે. એટલું જ નહીં, સરકારે વધુ ૧,૦૦૦ કરોડ ઉછીના લેવા પ્રક્રિયા શરુ કરી દીધી છે. ગુજરાત સરકાર પોતે લીધેલી વિવિધ લોન્સનો દર મહિને ૩,૫૫૦ કરોડનો હપ્તો ભરે છે, જેમાં વ્યાજ અને મુદ્દલ બંનેની ચૂકવણી આવી જાય છે.

રાજય સરકાર આ મહિને ૩,૫૫૦ કરોડ રુપિયા ચૂકવવા માટે ૨૫૦૦ કરોડ ઉછીના લેશે, જયારે બાકીના ૧,૦૫૦ કરોડ રુપિયા કેન્દ્ર સરકાર પાસેથી લેવાના નીકળતા પોતાના હિસ્સાના નાણાંથી ચૂકવવા આયોજન કરી રહી છે. લોકડાઉનને કરાણે રાજય સરકારની તિજોરીને જોરદાર ફટકો પડતાં સરકારને કર્મચારીઓના પગાર કરવામાં પણ ભીંસ પડી ગઈ છે. હવે સરકાર આ મામલે કેન્દ્ર અને આરબીઆઈને જે કંઈ ચૂકવણી કરવાની થાય છે તેમાં રાહત માગવા પણ વિચારી રહી છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

એક સૂત્રના જણાવ્યા અનુસાર, બે મહિનાના લોકડાઉનમાં સરકારની આવક તળીયે પહોંચી ગઈ છે, જોકે જે લોન્સની ચૂકવણી કરવાની છે તે તો નિશ્ચિત જ છે. જો સરકારની આવક શૂન્ય થઈ જાય તો પણ તેને લોનના હપ્તા ચૂકવવા ગમે તેમ કરીને ૩.૫૫૦ કરોડ રુપિયાની વ્યવસ્થા તો કરવી જ પડે તેમ છે. આ મહિને પણ સરકાર ૨૫૦૦ કરોડ રુપિયા ઉછીના લેવાની છે. જયારે બાકીના ૧,૦૫૦ કરોડ કેન્દ્ર પાસેથી મળનારી ગ્રાંટ તેમજ વેટ પેટે થતી આવકમાંથી મેળવવામાં આવશે.

લોનના હપ્તા ચૂકવવાનું મુશ્કેલ થતાં કેન્દ્ર સરકાર અને આરબીઆઈ પાસેથી લેવાયેલી લોન્સ પર વ્યાજ માફી કે પછી તેની ચૂકવણી મોડી કરવા પણ સરકાર માગ કરી શકે છે. આ સૂત્રના જણાવ્યા અનુસાર, આ મહિને સરકારને કેન્દ્ર પાસેથી ટેકસ પેટે મળેલા નાણાંમાંથી પોતાના હિસ્સા તરીકે ૧૫૦૦ કરોડ મળ્યા છે, અને ૧૮૦૦ કરોડ ગ્રાંટ સ્વરુપે પ્રાપ્ત થયા છે.

જેના કારણે સરકારની સ્થિતિ પ્રમાણમાં સારી છે, અને આ સિવાય ગેસ અને પેટ્રોલિયમ પ્રોડકટ્સ પર લેવાતા વેટ પેટે પણ સરકારને ૬૦૦ કરોડ રુપિયાની આવક થઈ છે. આ મહિને સરકાર કર્મચારીઓના પગાર અને લોનના હપ્તા ચૂકવવાની સ્થિતિમાં છે, પરંતુ જો આવતા મહિને કેન્દ્ર સરકાર તરફથી કોઈ રાહત ના મળી તો તેમાં મુશ્કેલી આવશે.

(10:25 am IST)