Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

મનીષસિંહ બદલાયા, નેકસ્ટ રાઉન્ડમાં હજુ બે વિવાદાસ્પદ એસપીઓ ઝપટે ચઢશે

પોણો ડઝન પોલીસ અધિકારી - સ્ટાફને નાસવુ પડયુ તેવા રાજયભરમાં ચકચારી શરાબકાંડ મહેસાણા એસપીને સ્પર્શી ગયો : નિયમાનુસાર રાજકોટ ડીસીપી રવિ સૈનીને જીલ્લો આપવા બદલાયા : રાજકીય રીતે મહત્વના મહેસાણામાં પાર્થરાજસિંહ ગોહીલની પસંદગીઃ રાજકોટડીસીપીનું સ્થાન ખાલી રહ્યું

રાજકોટ, તા., ૨૭: કોરોના વાયરસની મહામારી વચ્ચે ગૃહ મંત્રાલય દ્વારા એસપી કક્ષાના ૩ આઇપીએસ અધિકારીઓની બદલીઓ અચાનક આવી જતા રાજય પોલીસ તંત્રમાં અનેકવિધ અનુમાનો સાથે અટકળોએ જોર પકડયું છે. સમગ્ર ગુજરાતને હચમચાવતા  મહેસાણાના કડીમાં ૯-૯ પોલીસ સ્ટાફને ફરાર બનવું પડયું તે મામલો નિમિતરૂપ બન્યો અને મહેસાણા એસપી મનીષસિંહને બદલવા અરસપરસ હુકમો કરવા પડયા.

અત્રે યાદ રહે કે તાજેતરમાં 'અકિલા' દ્વારા એસપી કક્ષાના ૩ જીલ્લાના એસપીઓ વિવાદમાં સપડાયા હોવાના અહેવાલો પ્રસિધ્ધ  કરવામાં આવેલ. મહેસાણા એસપી સિવાય  હજુ પણ બે મહત્વના જીલ્લાના એસપીઓ નેકસ્ટ રાઉન્ડમાં બદલાઇ જશે. ઉકત બંન્નેનો વિવાદ બહુ સીરીયસ ન હોવાથી હાલ તુર્ત તેઓની બદલી કરવાનું મોકુફ રાખવામાં આવેલ.

રાજકોટના ડીસીપી રવિ મોહન સૈનીને નિયમ અનુસાર તેઓ ડાયરેકટ આઇપીએસ હોવાથી તેમને જીલ્લો ફાળવવો આવશ્યક હતો, તેઓની બેચના અન્ય તમામને જીલ્લા ફાળવાઇ ગયા હોવાથી તેઓને જીલ્લામાં મુકવા માટે પોરબંદર મોકલી, રાજકીય રીતે મહત્વના મહેસાણા જીલ્લામાં પાર્થરાજસિંહ ગોહીલને પોરબંદરથી બદલવામાં આવ્યા છે. આમ રાજકોટમાં ડીસીપીની બદલીથી  તેમના સ્થાને હાલ તુર્ત કોઇને ન મુકાતા ડીસીપી મનોહરસિંહ જાડેજાની જવાબદારીમાં ખુબ જ વધારો થશે, જો કે તેઓ સક્ષમ હોવાથી સુપરે પરિસ્થિતિ સંભાળી લેશે.

અત્રે યાદ રહે કે ૨૦૦૬ બેચના આઇપીએસ અધિકારીઓને ડીઆઇજી તરીકે  બઢતી આપવામાં પોષ્ટીંગ અંગે ખુબ જ મથામણ કરવાની હોય આ બાબત ગાંધીનગરમાં ગૃહ મંત્રાલય દ્વારા કવાયત  ચાલી રહી છે. કોને રેન્જ આપવી? કોને મહત્વના શહેરોમાં એડીશ્નલ સીપી કે જેસીપી  બનાવવા તે બાબત શિરદર્દ સમી બની રહી છે.

(1:10 pm IST)