Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

અમદાવાદમાં આજથી ખેડૂતો દ્વારા કેરીનું સીધું વેચાણ શરૂ

વહીવટી તંત્રએ ખાસ વ્યવસ્થા કરવામાં આવી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કેરીનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે

અમદાવાદ, તા. ૨૬ : કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ અમદાવાદીઓ ગમે તેમ કરી કેરીનો સ્વાદ તો માણી રહ્યા છે. પણ હવે કેરીના રસિયાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કેરીનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં ખેડૂતો દ્વારા સીધું કેરીનું વેચાણ કરવામાં આવશે. તા. ૨૬મી મેથી ૧૫ દિવસ માટે ચાલુ રહેનારા કેરી વેચાણને કેન્દ્રનું ઉદ્ઘાટન મેયર બિજલબેન પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના સહકાર વિભાગના સંયુક્ત ઉપક્રમે વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં સવારે થી સાંજે વાગ્યા સુધી ખેડૂતો પોતાની કેરીઓનું વેચાણ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

              લોકડાઉન અને કમોસમી વરસાદને પગલે કેરી વેચતા ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં ૨૬ મેથી ૧૫ દિવસ સુધી જે વેચાણ કેન્દ્ર શરૂ કરાયું છે. તેમાં ૧૦૦ સ્ટોલ ઊભા કરાયા છે. જેમાં તલાળાની કેસર કેરી, વલસાડની હાફુસ, લંગડો સહિતની વિવિધ પ્રકારની કેરીઓ લોકો ખરીદી શકશે. કેરી વેચનારા અને ખરીદી કરવા આવનારાએ  માસ્ક પહેરવાના અને સોશિયલ ડિસ્ટન્સ સહિત નિયમોનું પાલન કરવાનું રહેશે.

(10:21 pm IST)