Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ટયુશન કલાસીસ તરત ફાયર સેફ્ટીની સિસ્ટમો વસાવી લે

બાળકોની સુરક્ષાના મુદ્દે કોઇ બાંધછોડ નહીં : ફાયરસેફ્ટી મામલે સમયની માંગ સાથે ટયુશન કલાસીસ સંચાલકો વિજય નહેરાને મળ્યા : કમિશનરનું કડક વલણ

અમદાવાદ,તા. ૨૭ : સુરત આગકાંડ બાદ સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને અમદાવાદ શહેરમાં પણ ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યું છે અને ફાયરસેફ્ટી વિના ચાલતાં ટયુશન કલાસીસ સહિતના એકમો પર તવાઇ બોલાવવાનું શરૂ કર્યું છે ત્યારે આજે શહેરના વિવિધ ટયુશન કલાસીસ સંચાલકો મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને મળ્યા હતા અને તેમને ફાયરસેફ્ટી માટે પંદર દિવસનો વધુ સમય આપવા માંગણી કરી હતી. જો કે, મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલાની ગંભીરતા સમજાવતાં તેઓને સમય આપવાનો ઇન્કાર કરી દઇ સાફ સુણાવી દીધુ હતું કે, બાળકોની સુરક્ષા મામલે કોઇપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહી. તમે શકટ એટલું ઝડપથી ફાયરસેફ્ટી અને સુરક્ષાના સાધનો વસાવી લો. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ફાયરસેફ્ટી વિના ધમધમતા ટયુશન કલાસીસ, હોસ્પિટલો, અન્ય કલાસીસ સહિતના કોમર્શીયલ એકમો વિરૂધ્ધ કાયદાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ સંવદેનશીલ અને ગંભીર મુદ્દો હોઇ બાળકો કે નાગરિકોની સુરક્ષાને લઇ કોઇ બાંધછોડ શકય નથી. તંત્ર પગલાં લેવા માટે મક્કમ છે. તેથી ટયુશન કલાસીસ સંચાલકોએ શકય એટલું ઝડપથી ફાયરસેફ્ટી સુવિધા સહિતના સુરક્ષા ઉપરકરણો વસાવી લેવા હિતાવહ છે. અન્યથા, અમ્યુકો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનરે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, જો ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરાવ્યું હોય તેવા કિસ્સામાં પણ ફાયરસેફ્ટી નહી હોય તો તેવા એકમો વિરૂધ્ધ પણ નિશંકપણે પગલા લેવાશે. તેથી કોઇ ભ્રમમાં ના રહે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે સાફ સંકેત આપી દેવાયા હતા કે, હવે અમ્યુકો તંત્ર દ્વારા ફાયરસેફ્ટીની સુવિધા નહી હોય તો કોઇ બાંધછોડ નહી કરે. વળી, આગામી દિવસોમાં પણ અમ્યુકો તંત્ર દ્વારા ફાયરસેફ્ટી, ટેરેસ પર પ્લાસ્ટિક, ફાઇબરના શેડ્સ કે સ્ટ્રકચર ડિમોલીશન સહિતના મામલે તેની ઝુંબેશ સઘન અને વધુ અસરકારક બનાવશે તે નક્કી છે.

(8:29 pm IST)