Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ચૂંટાયેલા ૪ નવા સભ્યોનો કાલે શપથવિધિ સમારોહ

અધ્યક્ષ તમામ ચારેય સભ્યોને શપથ લેવડાવશે : સમારોહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેશે

અમદાવાદ, તા.૨૭ : ગુજરાતમાં લોકસભાની સાથે ચાર સીટો પર વિધાનસભાની પેટાચૂંટણી  પણ યોજાઇ હતી. રાજ્યમાં ૨૬માંથી ૨૬ લોકસભાની સીટો તો ભાજપે હાંસલ કરી હતી, તેવી રીતે વિધાનસભાની ચાર સીટો પણ ભાજપે હાંસલ કરી હતી. હવે ચૂંટાયેલા નવા ચારેય ધારાસભ્યો પરસોત્તમ સાબરીયા, આશાબહેન પટેલ, જવાહર ચાવડા અને રાઘવજી પટેલને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે. આવતીકાલે સવારે ચારેય ધારાસભ્યોના શપથવિધિ સમારોહની તૈયારીઓ પણ કરી દેવાઇ છે. ગુજરાત લોકસભા ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો ભાજપે કબ્જે કર્યા બાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ચારેય બેઠકો ભાજપે કબ્જે કરી લીધી હતી. જેમાં ધ્રાંગધ્રા બેઠક પર પરસોતમ સાબરિયા, ઊંઝા બેઠક પર આશાબેન પટેલ, માણાવદર સીટ પર જવાહર ચાવડા અને જામનગર ગ્રામ્ય બેઠક પર રાઘવજી પટેલ જીત્યા હતા. તેથી હવે ચૂંટાયેલા નવા ચારેય ધારાસભ્યોને  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આવતીકાલે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે. શપથવિધિ દરમ્યાન ચૂંટાયેલા ચારેય ધારાસભ્યોના પરિવારજનો અને રાજકીય મહાનુભાવો ખાસ હાજર રહેશે. પેટાચૂંટણીમાં શાનદાર સફળતા ભારતીય જનતા પાર્ટીને મળી છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીને પેટાચૂંટણીમાં પણ નિરાશા હાથ લાગતા ફટકો પડ્યો છે. કોંગ્રેસ પાર્ટીના સુપડા સાફ થયા છે.

(8:27 pm IST)