Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

અમદાવાદ : ગેરકાયદે રહેતા ૪૭ બાંગ્લા. શખ્સો ઝડપાયા

અમદાવાદ એસઓજીનો સપાટો : પોલીસની તપાસ : ઝડપાયેલા બાંગ્લાદેશી નાગરિકોમાં મોટાભાગના મજૂર પોલીસે ડોકયુટમેન્ટ અને અન્ય પુરાવાની તપાસ આરંભી

અમદાવાદ,તા.૨૭ : અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની સંખ્યા વધી રહ્યાં છે ત્યારે આજે અમદાવાદ એસઓજીએ શહેરના ચંડાળો, દાણીલીમડા સહિતના વિવિધ વિસ્તારોમાં તપાસ અને દરોડાનો સપાટો બોલાવ્યો હતો અને આ વિસ્તારોમાં ગેરકાયદે રીતે રહેતા ૪૭ જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી લીધા હતા. પોલીસની પૂછરપરછ દરમિયાન ઝડપાયેલા બાંગ્લાદેશીઓ ઘણા વર્ષથી અમદાવાદમાં રહી મજૂરી કામ કરતા હોવાનો ખુલાસો  સામે આવ્યો હતો. જો કે, પોલીસે હવે ગેરકાયદે રીતે અહીં વસવાટ કરતાં આ તમામ બાંગ્લાદેશીઓના ઓળખના પુરાવા સહિતના દસ્તાવેજોની ચકાસણી અને તપાસની પ્રક્રિયા આરંભી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ એસઓજીને શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિશે ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદ એસઓજીએ પાંચ અલગ અલગ ટીમો બનાવી શહેરમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરી હતી. એસઓજીની ટીમે ઇસનપુર, ચંડોળા તળાવ, દાણીલીમડા બીઆરટીએસ બસ સ્ટેશન પાછળ, નરોડા પાટિયા, વટવા અંબિકાબ્રિજ અને જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારોમાં સાગમટે દરોડા પાડયા હતા અને આ વિસ્તારોમાંથી કુલ ૪૭ બાંગ્લાદેશીઓને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં આ તમામ બાંગ્લાદેશીઓ છેલ્લા ઘણા લાંબા સમયથી ગેરકાયદે રીતે અમદાવાદ શહેરમાં વસવાટ કરતા હતા.

આ બાંગ્લાદેશીઓ કડીયાકામ, મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા હતા. પોલીસે હાલમાં તમામ લોકોને નજરકેદ કરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે કે તેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. અમદાવાદ એસઓજીના સપાટાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.

(7:46 pm IST)