Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ઉપવાસ યોજે તે પૂર્વે હાર્દિક પટેલને સુરત પોલીસે અટકાવી દીધા

સુરતના લસકાણા પાસે જ તેની કાર પોલીસે રોકી : સુરત પોલીસ કમિશનરની જરૂરી લીલીઝંડી ન હતી જેથી પોલીસે ઉપવાસ ન કરવા દીધા : હાર્દિકનો કાર્યક્રમ ફ્લોપ

અમદાવાદ, તા.૨૭ : સુરત આગકાંડમાં દોષિતો સામે પગલાં લેવાની માંગ સાથે આજે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતરવાના પોતાના કાર્યક્રમ સુધી પહોંચે તે પહેલાં જ સુરત પોલીસે તેને લસકાણાં પાસેથી દબોચી લીધો હતો અને પોલીસ જાપ્તા સાથે ખાનગી જગ્યાએ લઇ જવામાં આવ્યો હતો. જો કે, હાર્દિકની ઉપવાસ કરતાં પહેલા અટકાવાતાં હાર્દિકના સમર્થકોમાં રોષની લાગણી પ્રસરી હતી. પોલીસના કડક વલણને લઇ હાર્દિક ઉપવાસનો કાર્યક્રમ યોજી શકયો ન હતો. આ સમગ્ર મામલે સુરતના એસીપી સી.કે.પટેલે સ્પષ્ટ કર્યું હતું કે હાર્દિક પટેલને ઉપવાસ-રેલી અંગે સુરત પોલીસ કમિશનરની જરૂરી મંજૂરી નહોતી મળી છતા તે ઘટના સ્થળે ઉપવાસ પર બેસવા જઇ રહ્યો છે એવી માહિતી મળી હતી જેને કારણે અમે તેને લસકાણા પાસેથી હાર્દિક કારમાં જઇ રહ્યો ત્યાં જ પકડી લીધો હતો. તેને પોલીસ બંદોબસ્ત સાથે ગુપ્ત જગ્યાએ લઇ જવાયો હતો અને બાદમાં મુકત કરી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે આગની દુર્ઘટનામાં ૨૩ બાળકોના મોત થયા હતા. ગઇકાલે હાર્દિક પટેલ સુરત આવ્યો હતો અને મેયર જગદીશ પટેલ સહિતના કસૂરવારોને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે સરકારને ૧૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જો સરકાર પગલાં નહીં ભરે તો ઉપવાસ કરવાની હાર્દિકે ચીમકી આપી હતી,પોલીસે શહેરની શાંતિ અને સલામતી ન જોખમાય તેના માટે હાર્દિકની અટકાયત કરી લીધી હતી અને તેને ઉપવાસનો કાર્યક્રમ યોજવામાં સફળ થવા દીધો ન હતો.  હાર્દિક પટેલે ગઇકાલે ઉપવાસ કરવાની જાહેરાત કર્યા બાદથી જ એમ માનવામાં આવી રહ્યું હતું કે, તેને તક મળશે નહીં.

(8:25 pm IST)