Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વડોદરા : લીફ્ટમાં મહિલાનું માથુ ફસાઇ જતાં કરૂણ મોત

ગીતો સાંભળવામાં મહિલાએ જિંદગી ગુમાવી : સભ્ય સમાજ માટે બનાવ ચેતવણીરૂપ : મોત પ્રશ્ને તપાસ

અમદાવાદ,તા. ૨૭ : વડોદરા શહેરના સરદાર એસ્ટેટ સ્થિત ત્રણ માળની મારૂતિ પ્લાસ્ટિક કંપનીમાં કચરા-પોતા કરવા માટે આવેલી મહિલાનું લિફ્ટમાં માથુ અને ગળુ  ફસાઇ જતાં તેનું કરૂણ મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. લીફ્ટમાં ફસાઇ જવાના અને મોતના બનાવો વધી રહ્યા હોઇ અને  આ બનાવ મહિલા કાનમાં ઇયર ફોન ભરાવી ગીતો સાંભળતી હોઇ તે દરમ્યાન આ બન્યો હોવાથી સભ્યસમાજ માટે આ બનાવ ચેતવણીરૂપ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના સરદાર એસ્ટેટમાં રોડ નંબર-૫ ઉપર પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી મારૂતિ પ્લાસ્ટિક નામની કંપની આવેલી છે. આ કંપનીમાં આજવા રોડ, ચામુંડાનગરમાં રહેતા શુશીલાબહેન વિશ્વકર્મા (૪૮) કચરા-પોતા કરવા માટેનું કામ કરે છે. આજે સવારે ૮ વાગે તેઓ કંપનીમાં કચરા-પોતા કરવા માટે આવી ગયા હતા. નીચેના ભાગમાં કચરા-પોતાનું કામ પુરૃં કરીને તેઓ કંપનીના ઉપરના માળે કચરા-પોતા કરવા માટે જઇ રહ્યા હતા., ત્યારે કાનમાં ઇયર ફોન અને હાથમાં મોબાઇલ સાથે શુશીલાબહેન વિશ્વકર્મા લિફ્ટમાં બેસતા જ તેઓ ફસાઇ ગયા હતા અને તેમનું માથું ધડથી અલગ ફસાઇ ગયું હતું. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના સ્ટાફે તાત્કાલિક ત્યાં દોડી આવી લિફ્ટમાં વિચિત્ર રીતે ફસાઇ ગયેલા મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ સાથે પોલીસ આવી જતાં પોલીસે મહિલાનો મૃતદેહ કબજે કરી પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. લિફ્ટમાં ફસાઇ જતાં મોતને ભેટેલી મહિલા મૂળ યુ.પી.ના મિરઝાપુરની વતની હતી. તેઓ છેલ્લા કેટલાક સમયથી આજવા રોડ, કમલાનગર પાસે આવેલ ચામુંડા નગરમાં, રામમુરત યાદવની માલિકીના ભાડાના મકાનમાં રહેતી હતી. અને સરદાર એસ્ટેટમાં વિવિધ કંપનીઓમાં કચરા-પોતાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને અરેરાટી ફેલાઇ ગઇ હતી.

(9:32 pm IST)