Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વડોદરાની નિશીતા રાજપૂતે આ વર્ષે 10,000 છોકરીઓની ફી ભરીને ભણાવવા નિર્ધાર કર્યો

દાતાઓના સહયોગથી ગતવર્ષે 69 લાખ રૂપિયાની છોકરીઓની ફીની ભરપાઈ કરી હતી

વડોદરા :વર્તમાન સમયમાં શિક્ષણ ખુબ જ મોંઘુ થઇ ગયુ છે. ત્યારે વડોદરાની નિશીતા રાજપૂતે આ વર્ષે 10 હજાર યુવતીઓની ફી ભરીને યુવતીઓને ભણાવવાનું નક્કી કર્યું છે.એક અહેવાલ મુજબ નિશિતા રાજપૂતે આજથી આઠ વર્ષ પહેલા 151 છોકરીઓની સ્કૂલ ફી ભરીને આ કામની શરૂઆત કરી હતી. નિશીતા રાજપૂત જે દાતાઓ પાસેથી ફીની રકમનો ચેક મેળવે છે, તે ચેકને સીધો સ્કૂલમાં આપે છે અને ફી ભરી દે છે. ત્યારબાદ જે તે દાતાઓએ ચેક આપ્યો હોય છે, તેમાંથી જેટલી વિદ્યાર્થીઓની ફી ભરવામાં આવી હોય તેની તમામ વિગતો દાતાઓને મોકલવામાં આવે છે.

આ જ રીતે દાતાઓ પાસેથી પૈસા મેળવીને નિશીતાએ ગત વર્ષે 69 લાખ રૂપિયાની છોકરીઓની ફીની ભરપાઈ કરી હતી. ત્યારે આ વર્ષે નિશીતાએ 10,000 વિદ્યાર્થીનીઓની ફી ભરવાનો લક્ષયાંક નક્કી કર્યો છે. જેની રકમ 1 કરોડ રૂપિયા જેટલી થયા છે. નિશીતાના લક્ષ્‍યાંકને પૂર્ણ કરવા માટે કથાકાર મોરારી બાપુએ 25,000 રૂપિયાની સહાય આપી છે અને આ સાથે નિશીતાને USAના ટ્રસ્ટો સહીત વિવિધ દાતાઓની સહાય મળી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, નિશીતા જે વિદ્યાર્થીનીઓની ફી ભરે છે, તેમાં એક કેન્સર ગ્રસ્ત પિતાની IAS ઓફિસર બનવાની ઈચ્છા ધરાવતી વિધાર્થીનીનો પણ સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીનીનું નામ કૃતિકા ભાટિયા છે. કૃતિકા ભાટિયા હાલ S.Y. B. Comમાં અભ્યાસ કરે છે. તેની અને તેના પિતાની ઈચ્છા એવી છે કે, કૃતિકા IAS ઓફિસર બને. કૃતિકાના પિતાને કેન્સરની બીમારી હોવાના કારણ તેને ચિંતા સતાવી રહી હતી કે, તે પોતાની IAS બનવાની ઈચ્છા કેમ પૂર્ણ કરશે ત્યારે એક દિવસ કૃતિકાનો સંપર્ક નિશીતા રાજપૂત સાથે થયો હતો, ત્યારે નિશિતા રાજપૂતે કૃતિકાને ફી ભરવાની હિંમત આપી હતી. જેના કારણે હવે કૃતિકા તેના માતા-પિતા અને તેનું IAS બનવાનું સપનું પૂરું કરી શકશે.

 આ બાબતે નિશીતા રાજપૂતે જણાવ્યું હતુ કે, પ્રવર્તમાન સમયમાં કમરતોડ શિક્ષણ ફી હોવાથી આર્થિક રીતે નબળા પરિવારજનો માટે પોતાની છોકરીઓની ઈચ્છા મુજબ શિક્ષણ આપવાનું મુશ્કેલ થઇ ગયું છે. એટલે ફી વિના કોઈ છોકરી અભ્યાસથી વંચિત ન રહે તે માટે છોકરીઓની શક્ય તેટલી ફી ભરી રહી છું.

(12:12 pm IST)