Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

સંત સાહિત્યના મરમી સંશોધક ડો. નિરંજન રાજ્યગુરૂને ૨ રાષ્ટ્રીય એવોર્ડ અપાશે

જૂન મહિનામાં લોકકલા ફાઉન્ડેશન એવોર્ડ અને પદ્મભૂષણ ડો. ધીરૂભાઈ ઠાકર સવ્યસાચી સ્વરસાત એવોર્ડ અમદાવાદમાં અર્પણ કરાશે

રાજકોટ, તા. ૨૭ :. ગુજરાતના સ્વનામધન્ય લોકવિદ્યાવિદ્દ શ્રી જોરાવરસિંહજી જાદવ દ્વારા ગુજરાતની લોક સંસ્કૃતિ અને લોકકલાઓના ઉત્થાન માટે સ્થપાયેલી 'ગુજરાત લોકકલા ફાઉન્ડેશન' સંસ્થા તરફથી પ્રતિવર્ષ લોકસંગીત, ભકિતસંગીત, લોકનૃત્યો, ગ્રાણીણ પરંપરિત લોકકલાો, લોકનાટય ભવાઈ અને  લોક સંસ્કૃતિના વિભિન્ન પાસાઓ ઉપર જેમનું વિશિષ્ટ પ્રદાન હોય એવા કલાકારોને રાષ્ટ્રીય કક્ષાના 'લોકકલા એવોર્ડ'થી સન્માનવામાં આવે છે. જે સંસ્થા સાથે ભારતના વિવિધ પ્રાન્તોના પાંચ હજારથી વધુ લોકકલાકારો સંકળાયેલા છે અને દેશ-વિદેશની ધરતી ઉપર પોતાની પરંપરિત કલાઓની પ્રસ્તુતિ કરતા રહ્યા છે. ઈ.સ. ૨૦૧૯નો 'લોકકલા એવોર્ડ' ગુજરાતના જાણીતા સંત સાહિત્ય સંશોધક, કવિ, સાહિત્યકાર, વકતા, કલાકાર ડો. નિરંજન રાજ્યગુરૂને તા. ૨૭ જૂન ૨૦૧૯, ગુરૂવારના રોજ અમદાવાદ ખાતે અર્પણ થશે.

ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદના સૂત્રધાર સ્વ. ધીરૂભાઈ ઠાકરના નામથી એક લાખની ધનરાશિ સાથે અપાતો પદ્મભૂષણ ડો. ધીરૂભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ ભૂતકાળમાં પૂ. શ્રી નારાયણભાઈ દેસાઈ, મૃણાલિની સારાભાઈ, કે.જી. સુબ્રહ્મણ્યમ્, મંજુ મહેતા, બાલકૃષ્ણ દોશી અને નાટયકાર શ્રી ભરત દવે જેવા ભારતીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન-સમ્માન મેળવ્યા હોય એવા જે તે ક્ષેત્રના વરિષ્ઠ કલા-સાહિત્ય ઉપાસકોને પ્રાપ્ત થયો છે.

આ એવોર્ડ જૂન માસની ૨૯ તારીખ અને શનિવારે વિશ્વકોશ ભવન, ઉસ્માનપુરા, અમદાવાદ ખાતે કંઠસ્થ પરંપરામાં જળવાયેલા ભારતીય લોકવિદ્યા-લોકસાહિત્ય, સંત સાહિત્ય, ચારણી-બારોટી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતની સાહિત્ય, લોકસંગીત, ભકિતસંગીતના સંશોધન - સંપાદન - પ્રકાશન - પ્રસ્તુતિ અને સંમાર્જનની સાથોસાથ ગોસેવા-ગોસંવર્ધન, પર્યાવરણ જતન, વૃક્ષઉછેર, જળસંચય અને વિવિધ સેવા તથા સાધનાની પ્રવૃતિઓ કરનારા કવિ-સંશોધક નિરંજન રાજ્યગુરૂને અર્પણ કરવામાં આવશે.

નિરંજન રાજ્યગુરૂનો નાળસંબંધ ખાસ કરીને સંતસાધના અને સંતવાણી સાથે રહ્યો છે. મરમી કવિશ્રી મકરન્દ દવે તથા જયમલ્લ પરમારની નિશ્રામાં ગુજરાતી ભાષા - સાહિત્ય અને લોકસાહિત્ય  વિષય સાથે અનુસ્નાતક પદવી તથા 'દાસી જીવણઃ જીવન અને કવન' વિષયે પીએચ.ડી. પદવીની પ્રાપ્તિ કરનારા  નિરંજન રાજયગુરૂ શ્રી ઝવેરચંદ મેઘાણી પછી સૌરાષ્ટ્ર પ્રદેશમાં ક્ષેત્રકાર્ય દ્વારા સંતસાહિત્ય તથા લોકવિદ્યાનું સંશોધન કરનાર પ્રથમ પંકિતના સંશોધક છે. તેઓ સૌરાષ્ટ્રમાં લોકકંઠે સચવાયેલા લોકસંગીત તથા ભકિતસંગીતના તમામ રાગ-તાલ-લોકઢાળોનો પરિચય ધરાવવા ઉપરાંત બુલંદ કંઠે ગાઇ શકે છે. વર્ષોથી 'મુંબઇ સમાચાર' માં દર સોમવારે ધર્મતેજ પૂર્તિમાં 'અલખને ઓટલે' કોલમમાં સંત પરંપરાઓ વિશે અને રાજકોટના દૈનિક પત્ર 'ફુલછાબ'માં દર ગુરૂવારે ધર્મલોક પૂર્તિમાં 'ભજન ભેદ હે ન્યારા' નામે કોલમમાં સંતવાણી/જનરચનાઓ વિશેના લેખો પ્રકાશિત થાય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક તરીકે તથા અનુસ્નાતક શિક્ષક તરીકે અધ્યાપન કાર્ય કરાવ્યા બાદ વિવિધ સાહિત્ય સામયિકોમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય, ચારણીય સાહિત્ય, સંતસાહિત્ય, લોકવિદ્યા, લોકકલાઓ, લોકસંગીત, ભકિતસંગીત વિષયે સંશોધનલેખોનું પ્રકાશન તથા અનેક યુનિ. કક્ષાના, રાજયકક્ષાના, રાષ્ટ્રીયકક્ષાના પરિસંવાદોમાં સંશોધન વ્યાખ્યાનો આપતા રહીને પોતે સંચિત કરેલી દ્રષ્ય/શ્રાવ્ય સામગ્રી અને લિખિત -પ્રકાશિત પુસ્તકો વિનામૂલ્યે જગતભરના જિજ્ઞાસુ-સંશોધકો સુધી પહોંચે એ માટે પોતાની વેબસાઇટ, ટૂટયૂબ તથા ફેઇસબુક જેવા આધુનિક પ્રસાર માધ્યમો પર એમના દ્વારા મૂકાતા રહ્યા છે. આકાશવાણી, દૂરદર્શન અને વિવિધ ચેનલોમાં ઉચા ગજાના તજજ્ઞ વિદ્વાન કલાકાર તરીકે જીવંત પ્રસારણોમાં લાઇવ કોમેન્ટ્રી, સંચાલન, લેખન, પ્રસ્તુતિ, માર્ગદર્શન, રજુઆત, ગાન, વકતવ્ય, મુલાકાત એમ અનેકવિધ ભૂમિકાએ છેલ્લા ચાલીશ વર્ષથી એક લોકવિદ્યાવિદ્દ તરીકે સ્થાન અને માનના અધિકારી બનતા રહ્યા છે. તેમના સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધન-અભ્સાના ફળસ્વરૂપે પચીસેક જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. જેમાં આ વિષયના સંશોધકો માટે 'સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય', 'ભજન મીમાંસા', 'બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના', 'મરમી શબ્દનો મેળો,' મધ્યકાલીન ગુજરાતી ભકિત કવિતા સંચય, સ્વાતિના સરવડા વગેરે ગ્રંથો અનિવાર્ય ગણાયા છે.

રાષ્ટ્રીય કક્ષાની, માત્ર પીએચ.ડી. પદવી પ્રાપ્ત સંશોધકોને જ મળતી ડો. હોમી ભાભા પોસ્ટ ડોકટર રિસર્ચ ફેલોશિપ ઉપરાંત (૧) બળવંતભાઇ પારેખ ફાઉન્ડેશન મુંબઇ ફેલોશીપ (ર) ગુજરાત સાહિત્ય અકાદમી ફેલોશીપ (૩) મોરારીબાપુ પ્રેરિત કવિશ્રી કાગ બાપુ લોકસાહિત્ય એવોર્ડ, (૪) ફુલછાબ કલા સાહિત્ય એવોર્ડ, (૫) ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગૌરવ પુરસ્કાર, (૬) મોજદાનબાપુ લોક સાહિત્ય એવોર્ડ, (૭) શ્રી બાબુ રાણપુરા (પૂ. દયાળુ) એવોર્ડ, (૮) શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ સૌ. યુનિ.-રાજકોટ (એક લાખ રૂપિયા સાથે સન્માન), (૯) સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા 'સંસ્કાર વિભૂષણ એવોર્ડ' (ગુજરાતના રાજ્યપાલશ્રી દ્વારા સન્માન) જેવા અનેક સન્માનો મળતા રહ્યા છે.

ગોંડલથી સાત કિ.મી.ના અંતરે ગોંડલ-આટકોટ સ્ટેટ હાઈવે પર આવેલા એમના આનંદ આશ્રમમાં અઢાર હજાર જેટલા અપ્રાપ્ય પુસ્તકોનું સંદર્ભ ગ્રંથાલય, હસ્તપ્રત ભંડાર અને પરંપરિત ભકિતસંગીત-લોકસંગીતનું ધ્વનિમુદ્રણ સચવાયા છે. છેલ્લા વિશેક વર્ષથી જીવદયા અને ગૌસેવાની પ્રવૃતિઓ તથા અન્ય સેવાકાર્યો થાય છે. પચાસ ગાયોની ગૌશાળા છે. રોજના પિસ્તાલીશ કુટુંબોને મફત છાશ તથા માત્ર પચીસ રૂપિયાના લીટરના રાહતભાવે તથા સગર્ભા બહેનોને વિનામૂલ્યે દૂધ અપાય છે.

ડો. નિરંજનભાઈ રાજ્યગુરૂ (મો. ૯૮૨૪૩ ૭૧૯૦૪) ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(11:46 am IST)