Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

સુરત અગ્નિકાંડ પ્રકરણમાં તક્ષશિલા આર્કેડના બિલ્ડર હરસુલ વેકરીયા અને નિલેશ પાઘડાળની ધરપકડ

સુરત કોર્પોરેશનના ઈજનેર પરમાર સસ્પેન્ડ : ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાણી ૨ દિવસના રીમાન્ડ ઉપર

રાજકોટ, તા. ૨૭ : સુરતમાં થયેલા ભયાનક અગ્નિકાંડમાં ૨૨ નિર્દોષ છાત્રોના કરૂણ મોત નિપજ્યા છે. લોકોનો ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે સરકાર સફાળી જાગી છે અને કડક પગલાનો દોર શરૂ કર્યો છે.

સુરતના સરથાણામાં અગ્નિકાંડમાં ૨૨ માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે આ ઘટનાને લઈને સમગ્ર રાજય અને દેશમાં હાહાકાર મચી ગયો છે. જવાબદાર લોકો સામે આકરી કાર્યવાહી કરવાના સૂર ઉઠ્યા છે. જેના કલાસ હતા તે ભાર્ગવ બુટાણી પોલીસ રિમાન્ડમાં છે. જયારે જે બે આરોપી બિલ્ડરો ફરાર હતાં તેમની આજે ધરપકડ કરી લેવાઈ છે.

સુરતના તક્ષશિલા આર્કેડમાં ૨૪મી મેના રોજ જે અગ્નિકાંડ સર્જાયો તેમાં ૨૨ જેટલા માસૂમ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યાં. આ આર્કેડના ત્રીજા અને ચોથા માળના માલિક એવા હર્ષુલ વેકરીયા અને જીજ્ઞેશ પાઘડાળની પોલીસે ધરપકડ કરી લીધી છે. આર્કેડના કલાસ સંચાલક ભાર્ગવ બુટાણી હાલ પોલીસ રિમાન્ડ પર છે. આ ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ઘટના અંગે આઈપીસીની કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ગુનો નોંધાયો છે.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડના આગકાંડમાં ૨૨ નિર્દોષ જીંદગીઓ હોમાઈ ગઈ છે આગકાંડના માત્ર રાજયમાં જ નહીં પરંતુ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ ઘટનામાં અગાઉ ફાયરના બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતાં અને આજે સુરત મનપાના અધિકારી વિનુ પરમારને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત તક્ષશિલા આર્કેડમાં આવેલા નાટા કલાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીને પણ સુરત પોલીસ ક્રાઈમ બ્રાન્ચે સુરત જીલ્લા કોર્ટમાં રજુ કર્યો. તેના ૧૦ દિવસના રિમાન્ડની માગણી થઈ હતી પરંતુ કોર્ટે ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં.

મનપાના અધિકારી વિનુ પરમારને સસ્પેન્ડ કરાયા છે. સીઓ.આર અને ઈમ્પેકટ ફીની વિસંગતતા મામલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વિનુ પરમાર હાલ ઉધના ઝોનમાં ફરજ બજાવી રહ્યાં હતાં.(૩૭.૩)

 

(11:12 am IST)