Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

બનાસકાંઠા ખાતે ગેરકાયદેસર ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ

શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરાતા ફફડાટ : બધા ટ્યુશન ક્લાસના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયા

પાલનપુર, તા. ૨૬ : સુરતમાં બહુમાળી બિલ્ડિંગમાં અચાનક ટ્યુશન ક્લાસીસમાં આગ લાગતા ૨૨થી વધુ બાળકોના મોત થઇ જતાં બનાસકાંઠા જિલ્લામાં પણ શિક્ષણ વિભાગ સફાળુ જાગ્યું છે. તમામ ટ્યુશન ક્લાસીસ બંધ કરી દેવા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. પાલનપુરમાં શનિવારના દિવસે સવારથી જ શિક્ષણ વિભાગ દ્વારા જુદીજુદી ટીમો બનાવીને ઉંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદે ચાલતા ટ્યુશન ક્લાસીસ પર તપાસ હાથ ધરવામાં આવી હતી જેના પગલે ટ્યુશન ક્લાસીસના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સુરતમાં આગની ઘટનામાં ટ્યુશન આવેલા ૨૦થી વધુ બાળકો આગમાં ભડથુ થતાં તેમના કરુણ મોત થયા છે. આ ઘટના બનાસકાંઠામાં વહીવટીતંત્ર સફાળુ જાગ્યું છે જ્યાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગ્લેની સૂચનાથી શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં ટ્યુશન સહિતના ક્લાસીસ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. બીજી બાજુ શિક્ષણ વિભાગ દ્વારા પાલનપુરમાં જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. પાલનપુરમાં ગઠામણ ગેટ પાસે આવેલા ટાર્ગેટ ટ્યુશન ક્લાસીસમાં તપાસ હાથ ધરવામાં આવતા અહીં ટ્યુશન ક્લાસીસ છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેરીતે ચાલી રહ્યું હોવાની વિગત સપાટી ઉપર આવી છે.

ત્રીજા માળે આવેલા ક્લાસીસમાં કોઇપણ પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધા કે કોઇપણ પ્રકારની અન્ય મંજુરી વગર ક્લાસીસ ચાલી રહ્યું હતું. શિક્ષણ વિભાગે હાલમાં આ ક્લાસીસ સંચાલકને ક્લાસીસ બંધ કરી જરૂરી મંજુરી બાદ જ શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગની કાર્યવાહીના સમાચાર મળતા જ અન્ય ટ્યુશન સંચાલકો ફફડી ઉઠ્યા છે.

 

(9:40 pm IST)