Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

પ્રવર્તમાન પરિસ્થિતિમાં કુશળ તબીબી માનવબળની જરુરિયાતને પહોંચી વળવા બોન્ડેડ તબીબો પાસેથી બોન્ડની રકમ વસૂલ ન કરવા અને તમામ બોન્ડેડ તબીબોને ફરજ પર તાત્કાલિક હાજર થવા આરોગ્ય કમિશનરનો આદેશ

બોન્ડેડ તબીબો તાત્કાલિક હાજર નહીં થાય તો એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાશે

અમદાવાદ :પ્રવર્તમાન કોવીડ-૧૯ મહામારીની પરિસ્થિતિમાં દર્દીઓની સારવારમાં સહેજ પણ કચાશ ન રહે અને તબીબી સ્ટાફની ઘટ ન વર્તાય તે હેતુસર રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બોન્ડેડ તબીબો પાસેથી બોન્ડની રકમ વસૂલ ન કરવા અને તમામ બોન્ડેડ તબીબોને ફરજ પર તાત્કાલિક હાજર થવા આદેશ કર્યો છે
રાજ્યમાં કોવીડ-૧૯ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્યના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આ સ્થિતિમાં વધારાના માનવબળની આવશ્યકતા ઉભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈ રાજ્યના આરોગ્ય કમિશનરએ આ આદેશ જારી કર્યો છે.
રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના બોન્ડેડ તબીબોને ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવા તથા અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બોન્ડેડ તબીબો પાસેથી બોન્ડની રકમ વસૂલ ન કરવાનો રાજ્યના તબીબી શિક્ષણ અને સેવાઓના કમિશનર જયપ્રકાશ શિવહરે દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
બોન્ડેડ તબીબો તાત્કાલિક તેમની નિમણુંકના સ્થળે હાજર ન થાય તો તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને એપેડેમિક એક્ટની કલમ-૩ની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવી છે.

(8:30 pm IST)