Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

શહેરોના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બિનજરૂરી બહાર ન નીકળે, આપણે સ્વયંશિસ્ત રાખીને કોરોના સામે લડીએ:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

એક જ મહિનામાં આજે 94 હજાર બેડ ઊભા કર્યા છે, ઑક્સીજનનો સપ્લાય પણ વધ્યો છે, એક જ મહિનામાં પાંચ લાખથી વધારે રેમડેસિવિર ઈંજેક્શન આપવામાં આવ્યા છે:ગુજરાતમાં ઘણી બધી જગ્યાઑ પર ક્યાંક બેડ તો ક્યાંક ઑક્સીજન અને દવા માટે તકલીફ દેખાઈ રહી છે, પરંતુ ગભરાવવાની જરૂર નથી, આપણે પરિશ્રમની પરાકાષ્ઠા પર જઈને કોરોના સામે લડીશું : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

અમદાવાદ :આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જનતાને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રવચન કર્યું હતું. સંબોધનની શરૂઆતમાં સીએમ રૂપાણીએ કહ્યું કે કોરોના કેસમાં થતાં વધારાએ ચિંતામાં વધારો કર્યો છે, મહામારીના કારણે ઘણા લોકોએ પોતાનું ઘણું બધુ ગુમાવ્યું છે. લોકોને પોતાના સ્વજન ગુમાવ્યા છે તથા મેડિકલ સ્ટાફના લોકોએ પણ સેવા કરતાં કરતાં પોતાના જીવ ગુમાવ્યા છે. થોડા દિવસ સ્થિતિ એકદમ અલગ હતી, લગભગ આપણે કોરોના સામે જીતી ગયા હોય તેવી પરિસ્થિતિ હતી પરંતુ અચાનક કેસ વધી ગયા અને સંક્રમણ ઝડપથી ફેલાયું.

સીએમ રૂપાણીએ દાવો કર્યો કે એક જ મહિનામાં આજે 94 હજાર બેડ ઊભા કર્યા છે, ઑક્સીજનનો સપ્લાય પણ વધ્યો છે. એક જ મહિનામાં પાંચ લાખથી વધારે રેમડેસિવિર ઈંજેક્શન આપવામાં આવ્યા છે. જોકે ગુજરાતમાં ઘણી બધી જગ્યાઑ પર ક્યાંક બેડ તો ક્યાંક ઑક્સીજન અને દવા માટે તકલીફ દેખાઈ રહી છે, પરંતુ ગભરાવવાની જરૂર નથી, આપણે પરિશ્રમની પરાકાષ્ઠા પર જઈને કોરોના સામે લડીશું.
નોંધનીય છે કે ગુજરાતમાં 29 શહેરોમાં કેટલાક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. નાઈટ કર્ફ્યૂની સાથે સાથે દિવસમાં પણ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ તથા લોકો ભેગા ન થાય તે માટે કેટલાય સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે સીએમ રૂપાણીએ તે મુદ્દે પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે 29 શહેરોમાં નાઈટ કર્ફ્યૂની સાથે સાથે દિવસ માટે પણ માર્કેટ, મોલ, દુકાન, જીમ-પૂલ, બાગ-બગીચા, બધુ બંધ કર્યું છે.  સીએમ રૂપાણીએ આ 29 શહેરોના લોકોને હાથ જોડીને કહ્યું કે શહેરોના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બિનજરૂરી બહાર ન નીકળે. આપણે સ્વયંશિસ્ત રાખીને કોરોના સામે લડીએ.
આ સિવાય ગામડાઓમાં ફેલાતા કોરોના સંક્રમણ મુદ્દે સીએમ રૂપાણીએ કહ્યું કે આ વખતે ગામડાઓમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. ગામડાના મુખિયાઓ ભેગા થાય અને આસપાસના ડૉક્ટરને બોલાવીને ચેક કરે કે કોને કોને શું બીમારી છે, શરદી છે ખાંસી અથવા કળતર છે. જેટલા લોકોને કોરોના હોય તે બધાને અલગ કરીએ, બધાને આઇસોલેટ કરીએ જેથી કોરોના વાયરસથી બચી શકાય. કારણ કે ગામડામાં જ્યારે કોઈ એકને કોરોના હોય તો પહેલા ખબર પડતી નથી બાદમાં ખબર પડે એટલે તે હોસ્પિટલમાં દોડે અને તકલીફ પડે છે. સીએમ રૂપાણીએ કહ્યું કે મને યાદ છે કે શહેરોમાં લોકો એક દૂધની થેલી લઈને આખા ગામમાં આંટો મારી આવે છે, પરંતુ કોરોના વાયરસની ગંભીરતાને સમજો અને સ્વયં-શિસ્તનું કરીને કોરોના સામે લડીએ

(7:58 pm IST)