Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

સુરતમાં લોકડાઉન દરમિયાન લોહીની વ્યવસ્થા માટે નીકળેલા યુવકને પોલીસે માર માર્યોઃ સમયસર લોહી ન મળતા દર્દીનું મોતઃ પોલીસ સામે ભારે આક્રોશ

સુરત: સચિન GIDC વિસ્તારમાં કોરોના દર્દીમાટે લોકડાઉન દરમિયાન લોહીની વ્યવસ્થા કરવા માટે નિકળેલા પરિવારનાં યુવકને પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસે દાદાગીરી કરતા યુવકને માર પણ માર્યો હતો. જો કે દર્દીને યોગ્ય સમયે લોહી નહી મળતા હોસ્પિટલમાં દર્દીનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે.

મૃતક સંબંધી મોહમ્મદ જાવેદ શેખે કહ્યું કે, મરનાર નજીર મોહમ્મદ મલેક મારા કાકા સસરા છે. 19 મી તારીખે તેમને ઉનની અમન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોક્ટરે લોહીની તત્કાલ સગવડ કરવા માટે જણાવ્યું હતું. અમે લોહી લેવા માટે અમારા વિસ્તારનાં સામાજિક કાર્યકર્તા જાફરભાઇ દેશમુખ સાથે નિકળ્યાં હતા.

રાત્રીના 10 વાગ્યે સિવિલ ડ્રેસમાં આવેલા કેટલાક પોલીસ કર્મચારીએ અમને પકડ્યાં હતા. લોકડાઉનમાં રખડવા નિકળ્યાં છો તેમ કહીને અટકમાં લીધા હતા. અમે ડોક્ટરે લખી આપેલા કાગળ બતાવ્યા તો આ આગળો ફાડી નાખ્યા હતા. અમને જબરદસ્તીથી લઇ ગયા હતા. ત્યાર બાદ હકીકત બહાર બહાર આવતા અમને છોડી મુક્યા. જો કે અમે કલાકો બાદ હોસ્પિટલે લોહી લઇને પહોંચ્યાં ત્યારે ઘણુ મોડુ થઇ ગયું હતું. દર્દીનું યોગ્ય સમયે લોહી નહી મળવાનાં કારણે મોત નિપજ્યું હતું. હવે પરિવાર પોલીસ વિરુદ્ધ કાર્યવાહી થાય અને તેમને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે.

(5:24 pm IST)