Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને આર્સેલર મિત્તલનો ઉમદા પ્રતિસાદ :કોરોનાના દર્દીઓ માટે પ્લાન્ટમાં જ હોસ્પિટલ ઊભી કરવાની ઐતિહાસિક પહેલને આવકારતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

હજીરાના સ્ટીલ પ્લાન્ટ પરિસરમાં ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલનો આરંભ :ટૂંક સમયમાં જ ૧૦૦૦ બેડની હંગામી કૉવિડ હૉસ્પિટલ કાર્યરત કરાશે

રાજકોટ::::કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના જાણીતા સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને તુરંત જ પ્રતિસાદ આપીને પોતાના પ્લાન્ટ પરિસરમાં જ ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઊભી કરીને માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોવિડ હોસ્પિટલની શુભારંભ વેળાએ વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આર્સેલર મિત્તલે ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતની આ વેળાએ સમાજ પ્રત્યેની જવાબદારી ઉમદા રીતે નિભાવી છે. તેમણે શ્રી લક્ષ્મી મિત્તલ અને આર્સેલર મિતલ પરિવારની આ પહેલને આવકારી હતી, અને કહ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા એક મહિનામાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ૪૧ હજારથી વધારીને ૯૨ હજાર જેટલા કર્યા છે. આજે ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલની ખૂબ જ આવશ્યકતા છે ત્યારે આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટની આ પહેલ આવકારદાયક છે. 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ દેશના ઉત્પાદકોને ઓક્સિજનનું મહત્તમ ઉત્પાદન કરવા અને કોરોનાના દર્દીઓની આવશ્યકતાને પહોંચી વળવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ ગુજરાતના ઉત્પાદકોને કોરોનાની સ્થિતિમાં ઓક્સિજનની માંગને પહોંચી વળવામાં મદદરૂપ થવાની અપીલ કરી હતી. આર્સેલર મિત્તલે રાજ્ય અને કેન્દ્ર સરકારના આ આહવાનને ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે. 

ગુજરાતમાં સુરત નજીક હજીરામાં કાર્યરત આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પોતાના સ્ટીલ ઉત્પાદન માટે ગેસ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓની જરૂરિયાત માટે ગેસ ઓક્સિજનનું પરિવહન શક્ય નથી હોતું. પરિવહન માટે લિક્વીડ ઓક્સિજન ગેસની આવશ્યકતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે, આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ તરફથી અત્યારે પોતાના લિક્વીડ  ઓક્સિજન ઉત્પાદનને  ૩૦ ટકા  વધારી  ૧૮૫ મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજન કોરોનાના ગુજરાતના  દર્દીઓ માટે આપવામાં આવી રહ્યો છે. 

આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ માટે ઉત્પાદિત ઓક્સિજન ગેસ સ્વરૂપમાં હોવાથી તેનું પરિવહન સંભવ નહીં હોવાથી આ ગેસ ઓક્સિજન કોરોનાના દર્દીઓની સારવાર માટે તરત જ ઉપયોગમાં લઈ શકાય એ હેતુથી સ્ટીલ પ્લાન્ટમાં જ કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી હોય અને તે પણ ઐતિહાસિક સમયમાં એવી આ પ્રથમ ઘટના હશે. 

રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસના સતત પરામર્શમાં રહીને સુરત જિલ્લા કલેક્ટર શ્રી ધવલ પટેલ તથા સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીના સહયોગથી હજીરામાં આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ ના મેનેજમેન્ટ દ્વારા  માત્ર ૭૨ કલાકના રેકોર્ડ સમયમાં હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે. જરૂરિયાત અનુસાર અહીં ૧૦૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ખૂબ ઝડપથી  કાર્યરત થઈ શકે એ પ્રકારે આર્સેલર મિત્તલે આયોજન કર્યું છે.

આજે આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટની આ હંગામી કોવિડ હોસ્પિટલની શુભારંભ વેળાએ જાણીતા ઉદ્યોગપતિ શ્રી લક્ષ્મી મિત્તલ કઝાકિસ્તાનથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. જ્યારે સહયોગી કંપની નિપ્પોન સ્ટીલના પ્રતિનિધિઓ જાપાનથી જોડાયા હતા. સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરથી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ જોડાયા હતા. 

(4:56 pm IST)