Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

સુરતમાં કોરોનાની ગંભીર સ્થિતિનો અંદાજો એ વાત પરથી જ આવી જશે કે, શહેરમાં મરણનો દાખલો લેવા માટે પણ હવે લાંબી લાઈનો લાગવા માંડી : સરકારી ચોપડે નોંધાતા મરણ અને સ્મશાન ગૃહમાં કોવિડ પ્રોટોકોલ મુજબ કરવામાં આવતા અંતિમ સંસ્કારના આંકડા વચ્ચે ભારે વિસંગતતા

સુરત: ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેરનો પ્રકોપ ચરમ પર છે, ત્યારે ગુજરાતમાં પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યા અને મરણના આંકડા રોજ નવા રે્કોર્ડ તોડી રહ્યાં છે. એમાંય સુરતમાં કોરોનાના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. કંઈ કેટલાય પરિવારનોનો માળો આ જીવલેણ વાઈરસના કારણે પીંખાઈ ગયો છે. સુરતમાં કોરોનાની ગંભીર સ્થિતિનો અંદાજો એ વાત પરથી જ આવી જશે કે, શહેરમાં મરણનો દાખલો લેવા માટે પણ હવે લાંબી લાઈનો લાગવા માંડી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતમાં કોરોનાની બીજી લહેરમાં મૃત્યુઆંકમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સરકારી ચોપડે નોંધાતા મરણ અને સ્મશાન ગૃહમાં કોવિડ પ્રોટોકોલ મુજબ કરવામાં આવતા અંતિમ સંસ્કારના આંકડા વચ્ચે ભારે વિસંગતતા જોવા મળી રહી છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં મૃત્યુઆંક વધતા જ સ્મશાન ગૃહોમાં પણ અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગી હોવાના વીડિયો અગાઉ સામે આવી ચૂક્યાં છે. એવામાં હવે મૃતકોના મરણના દાખલા લેવા માટે તેમના સ્વજનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

કોરોનાની બીજી લહેરે સુરતમાં આરોગ્ય તંત્રની પોલ ખોલી નાંખી છે. માર્ચ મહિનાની શરૂઆતમાં અચાનક નવા કેસો વધવાની સાથે જ હોસ્પિટલોમાં બેડ ખૂટવા લાગ્યા હતા. કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે જરૂરી એવા રેમડેસિવિર ઈન્જેક્શન અને ઑક્સિજન માટે પણ તેમના સ્વજનો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યાં હોવાનું સામે આવ્યું છે. હાલ શહેરના વિવિધ ઝોનમાં મરણનો દાખલો કાઢી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે મરણનો દાખલો મેળવવા માટે માટે અત્યાર સુધી ક્યારેય ના જોવા મળી હોય તેવી લાઈનો લાગી રહી છે.

જણાવી દઈએ કે, મૃત્યુબાદ મરણનો દાખલો ખૂબ જ જરૂરી દસ્તાવેજ બની જાય છે. મરણના દાખલા વિના અનેક કાયદાકીય પ્રક્રિયા અટકી જતી હોવાથી મૃતકોના સ્વજનો મરણનો દાખલો લેવા માટે પડાપડી કરી રહ્યાં છે. કોરોના કાળમાં મૃતકના સ્વજનોને કતારમાં ઉભા રહેવામાંથી ક્યારે છૂટકારો મળશે? તે તો આવનારો સમય જ બતાવશે.

(4:18 pm IST)