Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ડોકટર – દવા - ઓકિસજન - રેમડેસિવિરના અભાવથી ઘરે સારવાર લેતા દર્દીઓ રામભરોસે

કોરોનાના ૯૦% દર્દી ઘરે સાજા થઇ શકે એવો નિષ્ણાતોનો દાવો પણ સારવાર કરવી કેવી રીતે? : હોસ્પિ.માં સારવાર માટે બેડની તીવ્ર તંગી વચ્ચે દર્દી ઘરે સારવાર લે તો બેઝિક દવા ફેબીફલૂ પણ મળતી નથી

અમદાવાદ, તા.૨૭: કોરોના વાઈરસથી રીબાતી-પીડાતી પ્રજાને દેશના નિષ્ણાત ડોકટરો કહે કોરોનાના ૯૦ ટકા દર્દીઓ યોગ્ય સારવાર અને દવા અપાય તો દ્યરે જ સાજા થઈ શકે છે. તેની સામે લોકોમાં સવાલ ઉઠયાં છે કે હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીને રેમડેસિવિર મળતી નથી, ફેબીફ્લૂ મળતી નથી, ઓકિસજન મળતો નથી, ડોકટરો મળતા નથી તો આવી સ્થિતિમાં દ્યરે રહીને પણ દર્દી કેવી રીતે કોરોનામુકત થશે ? ડોકટરોની સલાહ સાચી છે પરંતુ તેનો અમલ કરવા માટે સરકાર પાસે કોઈ આયોજન નથી, સિસ્ટમ નથી. તેના કારણે હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો અને કોવિડથી રીબાઈને દર્દીઓના મોત પણ યથાવત છે.

એઈમ્સના ડિરેકટર સહિત દેશના ટોચના ગણાતા ડોકટરોએ કહ્યું કે કોરોનાના ૯૦ ટકા દર્દીઓને યોગ્ય સારવાર અને દવાથી દ્યરે જ સાજા થઈ શકે છે. ફકત ૧૦ થી ૧૫ ટકા લોકો કે જેમને ગંભીર અસર થઈ છે તેમને જ રેમડેસિવિર, ઓકિસજન, પ્લાઝમા જેવી વધારાની દવાની જરૂર પડે છે. ૮૫ ટકા દર્દીને રેમડેસિવિર કે ઓકિસજનની જરૂર નથી.

ડોકટરોની આ સલાહ સામે વાસ્તવિક સ્થિતિ એ છે કે ગુજરાતમાં સરકારે હોમ આઈસોલેશનના દર્દીઓને રેમડેસિવિર આપવાની ઘસીને ના પાડી દીધી છે. રેમડેસિવિર મેળવવા માટે લોકોને કાળાબજારમાં મોં માગ્યા દામ ચુકવવા પડી રહ્યાં છે. આ સરકાર જાણે છે છતાં ચૂપચાપ તમાશો જોયા કરે છે. કોરોનાની બેઝિક ગણાતી ફેબીફ્લૂ પણ મળતી નથી. તેના માટે પણ મેડિકલ સ્ટોરમાં લાગવગ લગાવવી પડે છે. ઓકિસજનની જરૂર પડે તો તે પણ મળતો નથી. ડોકટરો મળતા નથી. ગત વર્ષે દોડાદોડી કરતા ધન્વંતરી રથ અને સંજીવની રથ આ વર્ષે ગાયબ છે. જેને કોરોનાના ગંભીર લક્ષણ નથી અને દ્યરે આઈસોલેશનમાં રહીને સાજા થવું છે તે દર્દીને ખબર જ પડતી નથી તેણે કઈ દવા લેવી ? કોની પાસે માર્ગદર્શન માટે જવું ? હોમ આઈસોલેશનના દર્દી નિરાશ થઈ હોસ્પિટલમાં ભરતી થવા વિચારે તો તે પણ શકય નથી. કેમકે ત્યાં બેડ નથી. ૧૦૮ને ફોન કરે તો ૨૦ કલાક સુધી આવતી નથી. ખાનગી વાહનોમાં જાય તો હોસ્પિટલો સ્વીકારતી નથી.

  • સરકાર ડોકટર, દવા, ટેસ્ટિંગ, ઓકિસજનની વ્યવસ્થા ગોઠવે

સરકારે હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને ડોકટરોનું તુર્ત જ માર્ગદર્શન મળી રહે. કોરોનામાંથી મુકત થવાની દવાઓ સત્વરે મળી રહે. જેને રેમડેસિવિરની જરૂર હોય તેને તે દવા મળી રહે. ઓકિસજનની જરૂર હોય તેને ઓકિસજન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે. ટેસ્ટ માટે કોલ મળે એટલે તુર્ત વ્યવસ્થા થાય તેવી સિસ્ટમ ગોઠવે તો હોસ્પિટલોમાં હાલ જે લોડ છે તે ઓછો થશે. ગંભીર દર્દીઓને બેડ મળી રહેશે અને હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ ઝડપથી રોગમુકત બની શકશે.

(1:01 pm IST)