Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

આખરે મહેસાણા નગરપાલિકાની આગામી શુક્રવારે મળનારી સાધારણ સભા મોકૂફ

સભા મોકૂફ રાખવાની કોંગ્રેસના સદસ્યોએ રજૂઆત કરી હતી :એ પહેલાં જ પાલિકાના કેટલાક સભ્યો અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાથી સભા મોકૂફ કરાઈ

મહેસાણા : મહેસાણા નગરપાલિકાની સાધારણ સભા આગામી ૩૦ એપ્રિલે પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલમાં મળવાની હતી. જે હાલના સંજોગોને લઈને સભા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. જો કે, કોરોના સંક્રમણ કાબુ બહાર છે એવા સમયે સભા મોકૂફ રાખવાની કોંગ્રેસના સદસ્યોએ રજૂઆત કરી હતી તો તે પહેલાં જ પાલિકાના કેટલાક સભ્યો અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાથી તે પહેલાં જ સભા મોકૂફ કરાઈ હોવાનું પ્રમુખે જણાવ્યું હતું.

મહેસાણા નગરપાલિકાની સાધારણ સભા તા.૩૦-૪-૨૦૨૧ના રોજ સવારે ૧૧ કલાકે પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલમાં યોજાવાની હતી. જેનો એજન્ડા પણ સદસ્યોને પાઠવી દેવાયો હતો. આ એજન્ડામાં કોરોના મહામારીને લઈને જરૂરી ખર્ચ સહિતના ૭ જેટલાં કામો મંજૂરી માટે લેવાયાં હતાં.

જો કે, પાલિકાના કોંગ્રેસના સદસ્યો અમિત પટેલ, કમલેશ સુતરિયા, જલ્પાબેન પટેલ સહિતે આ સાધાસણ સભા મોકૂફ રાખવા પ્રમુખને લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેમણે મહેસાણા શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ખૂબ જ ફેલાયેલું છે, જેના કારણે લોકો ખૂબ જ તકલિફમાં છે તેમજ કોરોનાનાં દર્દીઓની સારવાર માટે પણ હોસ્પિટલમાં જગ્યા શોધવા સગાઓ આંટાફેરા મારી રહ્યા છે, ઘણા દર્દીઓને સમયસર સારવાર ન મળતાં મૃત્યુ પામી રહ્યા છે. આ‌વા સમયે શહેરમાં વેપાર-ધંધા પણ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે ત્યારે સાધારણ સભા મળશે તો સંક્રમણ વધવાની સંભાવના છે. કોવિડ-૧૯ની મહામારીને ધ્યાને લેતાં આરોગ્યલક્ષી કામમાં અને કોરોના મહામારી અટકાવવા માટે જે કોઈ જરૂરી કાર્ય કરવામાં આવશે તેમાં અમારો સંપૂર્ણ સાથ અને સહકાર રહેશે. એમ જણાવી ૩૦મી એપ્રિલની સભા મોકૂફ રાખવાની અને કોરોના સંક્રમણ ઓછું થાય ત્યાર બાદ સાધારણ સભા બોલાવવાની વિનંતી કરાઈ હતી.

(11:50 am IST)