Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

કોરોના નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદિક-હોમિયોપેથિક દવાનું વિતરણ કરાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય : રાજયમાં કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ માટે નાગરિકોની રોગપ્રતિકારક શકિત વધારવા ૬૦ હજાર કિ.ગ્રામ આયુર્વેદીક દવા-૧૦ લાખ ડોઝ હોમિયોપેથિક દવા ઔષધિઓનું રાજયવ્યાપી વિતરણ કરાશે : ર૯૭૦૦ કિ.ગ્રામ અમૃતપેય ઊકાળો -૩૦ હજાર કિ.ગ્રામ સંશમનીવટી તથા ૧૦ લાખ ડોઝ ઓર્સેનિક આલ્બમનો રાજયના નાગરિકોને મળશે લાભ : રાજયમાં અત્યાર સુધી ૧૦.૭૭ કરોડ ઊકાળા ડોઝ-૮ર.૭૦ લાખ સંશમનીવટી-૬ કરોડ ૩પ લાખ ઓર્સેનિક આલ્બમનો લાભ મેળવી નાગરિકોએ રોગપ્રતિકારક શકિત વધારીઃ આયુર્વેદ ઔષધિના ઉપયોગથી રાજયના નાગરિકોની રોગપ્રતિકારક શકિત વધારી કોરોના સામેનો જંગ જિતવાની મુખ્યંત્રીશ્રીની પ્રતિબદ્ઘતા : કોરોના સંક્રમણની બીજી લ્હેરમાં પણ આયુર્વેદ – હોમિયોપેથિક દવાઓના વ્યાપક વિતરણ માટે જિલ્લા-તાલુકા-ગ્રામ્યસ્તરે તલાટી-સરપંચો-આશાવર્કર બહેનો સેવાભાવી સંગઠનોની મદદથી વિતરણની વ્યૂહ રચના ઘડાઇ

રાજકોટ,તા. ૨૭: વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ, કોવિડ-૧૯ના સંક્રમણ સામેનો જંગ ગુજરાતમાં નાગરિકોની રોગપ્રતિકારક શકિત વધારીને જીતવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આરોગ્ય વિભાગ અને આયુષ આયુર્વેદ વિભાગને વ્યાપક ઉપાયો-પગલાં માટે પ્રેરિત કર્યા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર ગુજરાતમાં ૬૦ હજાર કિલોગ્રામ આયુર્વેદ દવાઓ તેમજ ૧૦ લાખ ડોઝ હોમિયોપેથી ઔષધિ-દવાઓના ઓર્ડર આપીને આ દવાઓ ત્વરાએ મેળવી તેનું રાજયવ્યાપી વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજયમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા માટે નિયમીત રૂપે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાતી કોર કમિટિની બેઠકમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ઔષધિઓ મેળવવા માટે આયુષ અને આરોગ્ય તંત્રને સુચનાઓ આપી છે. આ દવાઓ મેળવવા માટેના ઓર્ડર પણ આયુષ વિભાગે આપ્યા છે.

રોગપ્રતિકારક શકિત વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે અને આ દવાઓના અનેક સારા પરિણામો મળ્યા છે તેને પગલે મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણની આ બીજી લ્હેરમાં પણ આયુર્વેદ-હોમિયોપેથી ઔષધિઓના ઉપયોગથી કોરોના સામેનો જંગ જિતવાની પ્રતિબદ્ઘતા દર્શાવી છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજયભરના ૩૩ જિલ્લાઓ માટે ર૯૭૦૦ કિ.ગ્રામ અમૃત પેય ઊકાળાનો જથ્થો, સંશમની વટીનો ૩૦ હજાર કિ.ગ્રામ જથ્થો તેમજ ઓર્સેનિક આલ્બમ-૩૦ ના કુલ ૧૦ લાખ ડોઝ રાજય સરકાર વિવિધ સંસ્થાઓ-સંગઠનો-કેન્દ્ર સરકાર પાસેથી મેળવશે.

આ આયુર્વેદ દવાઓની વિતરણ વ્યવસ્થા પણ જિલ્લા-તાલુકા અને ગ્રામીણ સ્તર સુધી સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યુ છે તે મુજબ તલાટીઓ, સરપંચો, આશાવર્કર બહેનો અને સેવા સંસ્થાઓ મારફતે તેનું વિતરણ જન-જન સુધી કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી છે.

કોરોનાથી સંક્રમિત દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગપ્રતિકારક શકિત વધારવાની બાબતને પણ વિશ્વસ્તરે સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં ઇમ્યુનિટી બુસ્ટ કરતી આયુર્વેદીક દવાઓનો વપરાશ વધ્યો છે.

ગુજરાતમાં કોરોનાની પ્રથમ લ્હેરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન અને પ્રેરણાથી ૯૦ લાખ પરિવારો માટે ઓર્સેનિક આલ્બમના ડોઝ, ૭૮ હજાર કિ.ગ્રામ અમૃત પેય ઊકાળા અને ૮પ હજાર કિ.ગ્રામ સંશમની વટી લોકોને પૂરી પાડવામાં આવેલી છે.

સમગ્ર રાજયમાં ગત વર્ષ તા. ૬ માર્ચ-ર૦ર૦થી આ ઔષધિઓના વિતરણ દ્વારા અત્યાર સુધીમાં એટલે કે તા. રર એપ્રિલ-ર૦ર૧ સુધીમાં ૧૦.૭૭ કરોડ અમૃત પેય ઊકાળા ડોઝ લાભાર્થીઓ, ૮ર.૭૦ લાખ સંશમની વટીના અને ૬ કરોડ ૩પ લાખ ઓર્સેનિક આલ્બમ-૩૦ ના લાભાર્થીઓને આવરી લઇ રોગપ્રતિકારક શકિત વધારવાનો સફળ પ્રયોગ હાથ ધરાયો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આયુર્વેદ ઔષધિઓના ઉપયોગથી લોકોની રોગપ્રતિકારક શકિત વધારીને જનસહયોગથી કોરોના સામેનો જંગ જિતવા 'હારશે કોરોના-જિતશે ગુજરાત'ની પ્રતિબદ્ઘતા સાથે આ વધુ આયુર્વેદ ઔષધિઓનો જથ્થો મેળવી તેની સઘન વિતરણ વ્યવસ્થાથી જનઆરોગ્ય સુખાકારીમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ કોર કમિટીની બેઠકમાં વ્યકત કરી હતી.

(1:00 pm IST)