Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

રાણીપમાં પતિએ આવેશમાં આવી પત્ની પર એસિડ ફેંક્યુ

દાઝી ગયેલી પત્નીને સારવાર અર્થે ખસેડાઈ : પતિ ફરાર : લગ્નજીવનની તકરારમાં બનાવ : પતિ પિયર ગયેલી પત્નીને લેવા આવ્યો અને તેના ઉપર એસિડ ફેંકયુ

અમદાવાદ,તા. ૨૭ : શહેરના રાણીપ વિસ્તારમાં લગ્નજીવનની તકરારમાં ઉશ્કેરાયેલા પતિએ  આવેશમાં આવી જઇ પોતાની પત્ની પર એસિડ ફેંકતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઇજાગ્રસ્ત પત્નીને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બીજીબાજુ, પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે પણ આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, પત્ની પર એસિડ ફેંકયા બાદ આરોપી પતિ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી પરિણિતા લગ્નજીવનની તકરારને લઇ પોતાના પિયર જતી રહી હતી અને આજે પતિ તેને લેવા આવ્યો હતો. જો કે, પતિએ પત્નીને લઇ જવાના બદલે તેની પર એસિડ ફેંકયું હતું, જેથી પત્ની દાઝી ગઇ હતી, એસિડના કેટલાક છાંટા બાજુમાં તેના બાળક પર પણ પડયા હતા. એસિડ ફેંકયા બાદ પતિ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજીબાજુ, દાઝી ગયેલી પત્નીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવને પગલે પરિવારજનો પણ દોડતા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી પતિ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

(8:18 pm IST)