Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સંસ્કૃતિમાં સમૂહલગ્ન પ્રણાલી અનુમોદનીય : વિજય રૂપાણી

પાટણ ખાતે ક્ષત્રિય ઠાકોર સમૂહલગ્નનું આયોજન : મુખ્યમંત્રીએ નવદંપત્તિઓને આશીર્વાદ આપ્યા : બીજાના સુખ માટે કામ કરે તે પરોપકાર તરીકે છે : વિજય રૂપાણી

અમદાવાદ,તા.૨૭ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં સમૂહલગ્નની પ્રણાલી અનુમોદનીય છે. આજે પાટણ ખાતે યોજાયેલા ક્ષત્રીય ઠાકોર સમાજના સમૂહલગ્ન પ્રસંગે સમૂહલગ્નના ફલક એક સાથે ૧૨૯ નવદંપતીઓના સમૂહલગ્નનો પ્રસંગ સાચા અર્થમાં લગ્નકુંભ સમાન છે તેમ ઉમેર્યું હતું. આ શુભ પ્રસંગે મુખ્યમંત્રીએ નવદંપતિએ નવદંપતિઓને આશિર્વાદ પાઠવ્યા હતા અને સમૂહ લગ્નના આયોજક જુગલસિંહ ઠાકોરને ૧૨૯ નવ દંપતીઓને લગ્નજીવનની કેડી પર પગ માંડી રહ્યા છે તેમજ સમાજની વિશેષ સેવા માટે અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બીજાના સુખ માટે કામ કરે તે પરોપકાર છે. હજારો લોકોઆ લગ્નમાં સાક્ષી બન્યા છે અને સમાજના શ્રેષ્ઠીઓ તથા સંતો આ શુભ પ્રસંગે પધાર્યા છે તેથી સમૂહલગ્નથી સમાજની  એકતા સુદ્રઢ બની છે. રાજ્ય સરકાર સમૂહલગ્નોને હરહંમેશ પ્રોત્સાહન આપી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઠાકોર સમાજ મહેનતુ, પ્રમાણિક સમાજ છે. સમાજના અગ્રણીઓના માર્ગદર્શનથી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. ઠાકોર સમાજ વચ્છરાજ સોલંકી જેવા ધર્મ, સંસ્કૃતિ રક્ષા કરનાર સપૂતોથી સુશોભિત છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં સમગ્ર મે મહિનામાં રાજ્યમાં જળસંચય માટેનું મહા અભિયાન હાથ ધર્યું છે જેના દ્વારા સુજલામ સુફલામ હેઠળ હજારો તળાવો, ૩૪ નદીઓની જળસંચય ક્ષમતાનું વર્ધન કરાશે. નદીઓ, ઝરણાં અને પાઈપલાઈનોને દુરસ્ત કરવાનું વિરાટ કાર્ય હાથ ધર્યું છે. તેમણે કહ્યું કે, સરકાર હંમેશા પાણી અને વીજળી માટે પ્રજાની સાથે ખભેખભો મીલાવી સરકાર અડીખમ ઉભી છે. આ પ્રસંગે પાટણ જીલ્લામાં જળસંચય વિભાવના હેઠળ ૧૧ તળાવ ઉંડા કરવાનો સંકલ્પપત્ર મુખ્યમંત્રીને એનાયત કરાયો હતો. ૧૧ કન્યાઓને કુંવરબાઈનું મામેરું અને સાત ફેરા સમુહ લગ્નના મળી કુલ રૂપિયા ૨૦ હજારના ચેક એનાયત કરાયા હતા. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, પાટણ જિલ્લામાં સૌપ્રથમવાર સમૂહલગ્ન યોજાયા છે, જે એક સિમાચિન્હ સમાન છે. તેમણે જણાવ્યું કે, સમાજસેવી સ્વર્ગસ્થ મથુરજી ઠાકોરના આદર્શોને જુગલજી ઠાકોરે પુરા કર્યા છે. નવ જીવનની શરૂઆત કરતા ૧૨૯ નવયુગલોને મંત્રીએ શુભકામના પાઠવતા જણાવ્યું કે, વર્ષોથી પાટણ જિલ્લામાં સમુહલગ્નની પરંપરા જારી છે. સમાજના ગરીબ લોકો માટે સમુહલગ્નો આશીર્વાદ રૂપ છે. સમુહલગ્ન થકી ખોટા ખર્ચ અટકે છે. સમાજને નવી દિશા મળે તે મોટી બાબત છે. સમાજ એક સંગઠીત બની વધુમાં વધુ સમુહલગ્નો યોજે તે સમયની માંગ છે. વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પ્રભુતાના પગલાં માંડી રહેલા ૧૨૯ નવયુગલોને શુભ જીવનની કામના વ્યક્ત કરતાં જણાવ્યું કે, વિરાટ સમૂહ લગ્નનું આયોજન એ અધરું કામ છે પણ સમર્પણ અને નિષ્ઠાના કારણે આવા ભગીરથ કામો પુરાતા હોય છે. સમાજ માટે કરાતા સારા કાર્યોને સમર્થન આપવું જોઈએ. આ એક પવિત્ર કાર્ય છે. સકારાત્મક કાર્યોને હંમેશા સૌનું સમર્થન મળે છે. કન્યાદાન સૌથી મોટું દાન છે. તેમ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું. વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં ઠાકોર વિકાસ નિગમ શરૂ કરવાનું શ્રેય ગુજરાતની સરકારને જાય છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં  ઠાકોર સમાજના વિકાસ માટે પહેલ કરી હતી. ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના પ્રમુખ અને દાતા જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે, આ સમુહલગ્નોત્સવ ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સ્વર્ગસ્થ પિતા મથુરજી ઠાકોરે દિકરીઓના હાથ પીળા કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમને ગરીબ દિકરીઓને એક માંડવે પરણાવી છે. પાલવી અને બેતાલીસ સમાજ એક માંડવે ભેગા થયા છે તે સમરસતાનું પ્રતીક છે.

(9:09 pm IST)