Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

બિટકોઇનમાં પીઆઇ અનંત પટેલ વધુ રિમાન્ડ પર રહેશે

૩૦મી એપ્રિલ સુધી અનંત પટેલ રિમાન્ડ પર : આ કેસમાં પકડાયેલા આરોપી એડવોકેટ કેતન પટેલની જેલમાં બે દિવસ માટે પૂછપરછ કરવા કોર્ટે મંજૂરી આપી

અમદાવાદ,તા. ૨૭ : રાજયભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઈનના ચકચારભર્યા કેસમાં ચાવીરૂપ ભૂમિકા  ભજવનાર એવા અમરેલીના પીઆઈ અનંત પટેલના વધુ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ સ્પેશ્યલ એસીબી કોર્ટે આજે મંજૂર કર્યા હતા. સ્પેશ્યલ એસીબી કોર્ટે આરોપી પીઆઇ અનંત પટેલના તા.૩૦મી એપ્રિલ સુધીના વધુ રિમાન્ડ મંજૂર કર્યા હતા. તો સાથે સાથે આ કેસમાં પકડાયેલા આરોપી એડવોકેટ કેતન પટેલની જેલમાં બે દિવસ માટે પૂછપરછ કરવા અંગે પણ કોર્ટે તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમને મંજૂરી આપતો હુકમ કર્યો હતો. ચકચારભર્યા બિટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા અમરેલી પીઆઇ અનંત પટેલના સાત દિવસના રિમાન્ડ પૂરા થતાં આજે તેમને સ્પેશ્યલ એસીબી કોર્ટમાં રજૂ કરાયા હતા, જયાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે આરોપી પીઆઇ અનંત પટેલના વધુ સાત દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, આરોપી પીઆઇ અનંત પટેલે આ કેસમાં અન્ય સહઆરોપી એસપી જગદીશ પટેલ સાથે મળી સમગ્ર ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે અને તેથી તેની ખૂટતી કડીઓ મેળવવાની જરૂરી હોઇ આરોપીના વધુ રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. આરોપી દ્વારા આ સમગ્ર ગુનામાં ઉપયોગમાં લીધેલા સીમકાર્ડ, વાહનો અને સંડોવાયેલા વ્યકિતઓ વિશે હજુ જાણકારી મેળવવાની છે. આરોપીએ  ફરિયાદીનું અપહરણ કરી મગોડી કેશવફાર્મ ખાતે લઇ જઇ ૧૭૬ બિટકોઇન પડાવી લીધા હતા, તેથી તે વિશે માહિતી કઢાવવાની છે. આ ગુનાની તપાસ ચાલુ છે અને ખૂટતી કડીઓ મેળવવી જરૂરી હોઇ આરોપી તપાસમાં જોઇએ તેવો સાથ સહકાર આપતા ન હોઇ કોર્ટે ન્યાયિક હિતમાં વધુ રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી પીઆઇ અનંત પટેલના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, તા.૧૯મી એપ્રિલે ગાંધીનગર અડાલજ પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપી પીઆઇ અનંત પટેલની ધરપકડ કરી લીધી હતી, બાદમાં તેમના સાત દિવસના પોલીસ રિમાન્ડ મેળવાયા હતા. અનંત પટેલે તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, તેણે એસપી જગદીશ પટેલના ઇશારે સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો. આ ખુલાસા બાદ અમરેલી એસપી જગદીશ પટેલની પણ ધરપકડ થઇ હતી. દરમ્યાન આ કેસમાં પકડાયેલા આરોપી એડવોકેટ કેતન પટેલની જેલમાં બે દિવસ માટે પૂછપરછ કરવા પણ કોર્ટે સીઆઇડી ક્રાઇમને મંજૂરી આપી હતી. જેને પગલે હવે તપાસનીશ એજન્સી આ કેસમાં આરોપી વકીલ કેતન પટેલની જેલમાં જઇ પૂછપરછ હાથ ધરી શકશે.

(8:12 pm IST)