Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

શૈલેષ ભટ્ટ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે : કોટડિયાનો ધડાકો

કોટડિયાના ઘટસ્ફોટથી કેસમાં નવો વળાંક આવ્યો : બિટકોઇન પ્રકરણમાં નામ ઉછળ્યા બાદ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ અંતે મૌન તોડી પોતાનો પક્ષ રજૂ કર્યો

અમદાવાદ,તા. ૨૭ : ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચકચાર જગાવનાર બિટકોઇન ખંડણી અને અપહરણ કેસમાં જેનું નામ ખૂલ્યું છે તે ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ સૌપ્રથમવાર આ કેસમાં પોતાનું મૌન તોડયું છે અને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, આ સમગ્ર કેસમાં જે ફરિયાદી શૈલેષ ભટ્ટે છે તે પોતે જ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે અને હું તેને ખુલ્લો પાડવા માંગું છું. શૈલેષ ભટ્ટે અગાઉ પિયૂષ પટેલ અને ધવલ પટેલને માર મારી ગોંધી રાખીને રૂ.૨૪૦ કરોડના ૨૩૦૦ બીટકોઈન પડાવી લીધા હતા. કોટડિયાના આ ચોંકાવનારા ઘટસ્ફોટને પગલે હવે બિટકોઇન કેસમાં નવો વળાંક આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના આ ઘટસ્ફોટ બાદ તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમ દ્વારા હવે આ આક્ષેપો સંદર્ભે પણ તપાસનો દોર આરંભાય તેવી શકયતા સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, બિટકોઇન કેસમાં ફરિયાદી શૈલેષ ભટ્ટ દ્વારા આ સમગ્ર કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અને કિરીટ પાલડિયાના નામો પડદા પાછળના મુખ્ય સૂત્રધાર તરીકે અપાયા હતા. જેને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં અત્યાર સુધી કોન્સ્ટેબલથી લઈને એસપી સુધીના અધિકારીઓની ધરપકડ થઈ ચૂકી છે. એવું પણ મનાઇ રહ્યું છે કે સીઆઈડી ક્રાઇમનો હવે પછીનો ટાર્ગેટ નલીન કોટડીયા છે. ત્યારે કોટડીયાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને મેસેજ વાયરલ કર્યો છે અને પોતાની વાત રજૂ કરી છે. જેમાં કોટડીયાએ કહ્યું છે કે, હું શૈલેષ ભટ્ટે ખુલ્લો પાડવા માંગું છું. નલીન કોટડીયાએ વીડિયો વાયરલ કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે,ખુદ ફરિયાદી શૈલેષ ભટ્ટ જ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે. તેણે પિયૂષ પટેલ અને ધવલ પટેલને માર મારી ગોંધી રાખીને ૨૪૦ કરોડના ૨૩૦૦ બીટકોઈન પડાવી લીધા હતા. તે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે અને તેથી હું  અને કિરિટ પાલડીયા તેને ખુલ્લા પાડવા માંગીએ છીએ. કોટડિયાના આ ઘટસ્ફોટ કેસમાં નવો વળાંક આવ્યો છે તો કેટલાક ગંભીર સવાલો પણ પેદા થયા છે કે, શા માટે કોટડિયા સાચા છે તો તપાસનીશ એજન્સી સામે નથી આવતા, શા માટે તેઓ મીડિયા સમક્ષ નથી આવતાં અને શા માટે આ પ્રકારે સોશ્યલ મીડિયાનો સહારો લેવા મજબૂર બન્યા? જો કે, સીઆઇડી ક્રાઇમ હવે સમગ્ર મામલાની તપાસ કરશે તે નક્કી છે.

(8:11 pm IST)